આજે રાજ ઠાકરે ઇડી સમક્ષ હાજર થશે, ઉદ્ધવે પિતરાઈને આપ્યો ટેકો

આજે રાજ ઠાકરે ઇડી સમક્ષ હાજર થશે, ઉદ્ધવે પિતરાઈને આપ્યો ટેકો
શિવસેના પ્રમુખે કહ્યું તપાસમાંથી કંઈ બહાર આવવાનું નથી, કલવામાં મનસેનાં કાર્યકર્તાએ આત્મદહન કર્યું
મુંબઈ, તા. 21 : ગુરુવારે (આજે) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ પૂછપરછ માટે હાજર થવાના છે એ અગાઉ બુધવારે કલવામાં મનસેના કાર્યકર પ્રવિણ ચૌગુલેએ આત્મદહન કરતા રાજ ઠાકરે વ્યથિત થયા હતા. બુધવારે રાજ ઠાકરેએ ટ્વીટર આહ્વાન કર્યું હતું કે હું ઇડીના તમામ પ્રશ્નોના જવાબ આપવા સજજ છું, કોઇએ આવું અંતિમ પગલું ભરવું નહીં અને ગુરુવારે ઇડીના કાર્યાલય બહાર એકઠા થવાની પણ જરૂર નથી.
રાજે લખ્યું હતું કે આપણા કાર્યકર ચૌગુલેના નિધનના સમાચારથી મન વ્યથિત થયું છે. ઇડીએ મને નોટિસ આપી એ સમાચારથી અસ્વસ્થ થઇને ચૌગુલેએ આત્મદાહ જેવું અંતિમ પગલું લીધું, એવું ન થવું જોઇએ. ચૌગુલેની જેમ તમને પણ મારા અને આપણા પક્ષ પ્રત્યે લાગણી છે એ વાત સાચી છે, પરંતુ હું હાથ જોડીને વિનંતી કરું છું કે કોઇએ અંતિમ પગલું ભરવું નહીં. આવી તો અનેક અડચણો પાર કરીને આપણે આગળ વધ્યા છીએ.
રાજ ઠાકરેને ઉદ્ધવનો ટેકો
હવાલા કૌભાંડ સંબંધે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના ચીફને ફટકારેલી નોટિસ વિશે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે પહેલી વાર પ્રતિક્રિયા આપી પોતાના પિતરાઈને અપ્રત્યક્ષ રીતે ટેકો આપ્યો હતો.
પત્રકારો સાથે વાત કરતા ઉદ્ધવે 
કહ્યું હતું કે રાજ ઠાકરેની તપાસમાંથી કંઈ બહાર આવે એવું મને લાગતું 
નથી. તપાસ પતે ત્યાં સુધી રાહ જોવાની જરૂર છે.
મનસેનાં સમર્થકે આત્મદહન કર્યું
હવાલા કૌભાંડમાં મનસેના ચીફ રાજ ઠાકરેને મળેલી ઇડીની નોટિસથી ખફા થયેલા મનસેના 27 વર્ષના એક કાર્યકરે મંગળવારે મોડેથી કલવા ટાઉનશિપમાં આપઘાત કર્યો હતો.
પ્રવિણ ચૌગુલે આત્મદહન કરી મોતને વહાલું કર્યું હતું. તે થાણે જિલ્લાના મનસેના પ્રમુખ અવિનાશ જાધવની નિકટ હતો. પ્રવિણ ચૌગુલે આત્મદહન કરતાં પહેલાં તે શું કામ આપઘાત કરી રહ્યો છે એનું કારણ મિત્રોને જણાવ્યું હતું. આત્મદહન કરતાં પહેલાં તેણે રાજ ઠાકરેના સમર્થનના અસંખ્ય પોસ્ટ ફેસબુક પર નાખી હતી. અમુક પોસ્ટમાં ઇડી વિરુદ્ધ અપશબ્દો પણ વાપર્યા હતા.
પોલીસે કહ્યું હતું કે ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
પોલીસે કહ્યું હતું કે ચૌગુલેને દારૂની લત હતી અને એ સતત ડિપ્રેશનમાં રહેતો હતો. અગાઉ પણ તેણે બે-ત્રણવાર આત્મદહનનો પ્રયાસ કર્યો હતો.
ચૌગુલેએ તેના ઘરમાં જ આત્મદહન કર્યું હતું. એ ઘરમાં એકલો જ રહેતા હતો અને ટૂરિસ્ટ કાર ઓપરેટર હતો.
ઉન્મેષ જોશીની પૂછપરછ ચાલુ
દાદરના કોહિનૂર સ્કેવર પ્રકરણમાં થયેલાં આર્થિક વ્યવહારોની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીના દીકરા ઉન્મેષની બુધવારે સતત ત્રીજા દિવસે પૂછપરછ કરવામાં આવી હતી.
ઉન્મેષ જોશીની સાથે તેમના પાર્ટનર અને બીલ્ડર રાજન શિરોડકરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. 
ઈડીના અધિકારીઓ ઉન્મેષ અને રાજન શિરોડકરને અલગઅલગ રૂમમાં બેસાડી તેમની પૂછપરછ કરી રહ્યા છે અને બન્નેના જવાબોને સરખાવી રહ્યા છે.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer