GST નહીં ઘટે તો પારલે પ્રોડકટ્સ 10,000 કર્મચારીની છટણી કરશે

GST નહીં ઘટે તો પારલે પ્રોડકટ્સ 10,000 કર્મચારીની છટણી કરશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : દેશની સૌથી મોટી બિસ્કિટ કંપની પારલે પ્રોડકટ્સે જણાવ્યું છે કે જો માગમાં હાલની નરમાઈની સ્થિતિ ચાલુ રહી તો તે 8000-10,000 કર્મચારીઓને છૂટા કરવા વિચારે એવી શક્યતા છે.
આ જ સંદર્ભમાં સરકાર સમક્ષ પ્રતિ કિલો રૂા. 100 કે તેનાથી ઓછામાં વેચાતી બિસ્કિટ પર લાગતો જીએસટી ઘટાડવાની રજૂઆત કરાઈ છે. આ ઘટાડો રૂા. 5 કે તેનાથી ઓછી કિંમતે વેચાતા પૅકેટે માટે માગ્યો છે. જો સરકાર આ રાહત નહીં આપે તો પછી અમારે કર્મચારીઓને છૂટા કરવા સિવાય કોઈ વિકલ્પ  નથી, એમ કંપનીના પ્રવકતાએ જણાવ્યું હતું. કંપની રૂા. 10,000 કરોડથી વધારે વેચાણ કરે છે અને 10 પ્લાન્ટ્સની માલિકી ધરાવે છે, જેમાં એક લાખ લોકોને રોજગારી આપે છે. તે 125 થર્ડ પાર્ટી મેન્યુફેકચરિંગ ફેસિલિટી ધરાવે છે. કંપનીનું 50 ટકાથી વધારે વેચાણ ગ્રામ્ય બજારોમાં થાય છે.
અગાઉના ટૅક્સ માળખા હેઠળ પ્રતિ કિલો રૂા. 100થી નીચેની કિંમતની બિસ્કિટ પર 12 ટકા ટૅક્સ લાગતો હતો. કંપનીઓની અપેક્ષા હતી કે પ્રીમિયમ બિસ્કિટ પર 12 ટકા ટૅક્સ લગાડાશે અને ઓછી કિંમતના બિસ્કિટ પર પાંચ ટકા ટૅક્સ લાગશે, પરંતુ સરકારે જીએસટી હેઠળ તમામ બિસ્કિટને 18 ટકા સ્લેબમાં મૂકી હતી, જેના કારણે કંપનીઓને ભાવ વધારવાની ફરજ પડી હતી, જેમાં પારલેએ પાંચ ટકા જેટલો વધારો કર્યો હતો.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer