ઈન્દ્રાણી મુખરજી સરકારી ગવાહ બન્યા બાદ પીસીની મુશ્કેલીઓ વધી

ઈન્દ્રાણી મુખરજી સરકારી ગવાહ બન્યા બાદ પીસીની મુશ્કેલીઓ વધી
નવી દિલ્હી, તા. 21: પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમ અત્યારે સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને તેમની ધરપકડની શક્યતા છે. આઈએનએક્સ મીડિયા કેસમાં આગોતરા જામીન અરજી રદ્દ થયા બાદ રાહ માટે પૂર્વ મંત્રીએ સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો હતો. જો કે સુપ્રીમમાંથી પણ રાહત મળી નહોતી. આ કેસમાં આઈએનએક્સ મીડિયાની પ્રમોટર ઈન્દ્રાણી મુખરજી સરકારી ગવાહ બન્યા બાદ ચિદમ્બરમની મુશ્કેલી સતત વધી રહી હતી અને હવે ધરપકડની નોબત આવી છે. 
વિદેશી રોકાણની આડમાં એફઆઈપીબીમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ 2જી સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસ દરમિયાન એરસેલ - મેક્સિસ ડીલની તપાસથી થયો હતો. મેક્સિસ સંબંધિત કંપનીઓમાંથી ચિદમ્બરમના પુત્ર સંબંધિત કંપનીઓને રૂપિયા મળ્યાનું ધ્યાન પડયું હતું. 
આઈએનએક્સને એફઆઈપીબી તરફથી 2007માં 4.62 કરોડ રૂપિયાનાં રોકાણની મંજૂરી મળી હતી અને ડાઉનસ્ટ્રીમ ઈનવેસ્ટમેન્ટ માટે અલગ મંજૂરીની વાત સ્પષ્ટ થઈ હતી. કંપનીએ કથિત રૂપે ડાઉનસ્ટ્રીમ ઇનવેસ્ટમેન્ટ કર્યું હતું અને આઇએનએક્સ મીડિયામાં 305 કરોડથી વધુનું વિદેશી રોકાણ મેળવ્યું હતું. જો કે મંજૂરી 4.62 કરોડની જ હતી. 
15 મે 2017માં એફઆઈપીબીની અનિયમિતતાના આરોપમાં એફઆઈઆર દાખલ કરી હતી. ચિદમ્બરમના નાણામંત્રી તરીકેના કાર્યકાળમાં ભંડોળને મંજૂરી આપવામાં ભ્રષ્ટાચારનો આરોપ હતો. એફઆઈઆરના આધારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.
ઈન્દ્રાણીએ તપાસ એજન્સીને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તેણે પતિ પીટર મુખરજી અને કંપનીના અધિકારી સાથે ચિદમ્બરમની મુલકાત કરી હતી. જ્યાં ચિદમ્બરમે એફઆઈપીબીની મંજૂરીના બદલામાં  કાર્તિ ચિદમ્બરમને બિઝનેસમાં મદદ કરવાની શરત મૂકી હતી. 
3 ફેબ્રુઆરીના કાયદા મંત્રાલયે સીબીઆઈએ ચિદમ્બરમ સામે તપાસની મંજૂરી આપી હતી. ઈડીએ કાર્તિની 54 કરોડની સંપત્તિ અને એક કંપની જપ્ત કરી હતી. 
સીબીઆઈના કહેવા પ્રમાણે કાર્તિએ નાણામંત્રાલયના અધિકારીઓ ઉપર પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને આઈએનએક્સ તરફથી કરવામાં આવેલા અયોગ્ય રોકાણનો મામલો દબાવી દીધો હતો. 

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer