આખરે નાટકીય ઘટનાક્રમ બાદ ચિદમ્બરમની ધરપકડ

આખરે નાટકીય ઘટનાક્રમ બાદ ચિદમ્બરમની ધરપકડ
સીબીઆઈના અધિકારી દીવાલ કૂદીને ઘરમાં પહોંચ્યા : કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી નિર્દોષ હોવાનો દાવો કર્યો : આવતી કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 21:  આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડથી બચવા માટે ગાયબ થયેલા પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને આજે સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત ન મળતા શુક્રવારે સુનાવણી નક્કી કરી હતી. સુપ્રીમના નિર્ણય પછી નાટકીય અંદાજમાં 27 કલાક બાદ ચિદમ્બરમ કોંગ્રેસ કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સમાં હાજર થયા હતા અને પોતે તેમજ પુત્ર કાર્તિ ચિદમ્બરમ નિર્દોષ હોવાનું અને ખોટી રીતે તેઓને ફસાવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. બંધારણના અધિકારો સહિતની વાત કરતા ચિદમ્બરમે કહ્યું હતું કે તેઓ છેલ્લા અમુક કલાકથી ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા હતા. જો કે તેઓ ગાયબ નહોતા થયા પણ કાનૂની દસ્તાવેજો તૈયાર કરી રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ બાદ તરત ચિદમ્બરમ દિલ્હીના જોરાબાગ સ્થિત પોતાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં સીબીઆઈના અધિકારીઓની બે ટીમને અંદર જવા ન દેતા અધિકારીઓ દિવાલ કૂદીને ઘરમાં ગયા હતા.  એકાદ કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અંતે સીબીઆઈની ટીમે ચિદમ્બરમની ધરપકડ કરી હતી અને પ્રથમ મેડિકલ ચેક-અપ માટે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને ત્યાર બાદ સીબીઆઈના મુખ્યાલયે લઈ જવામાં આવ્યા હતા. 
પ્રેસ કોન્ફરન્સમાં ચિદમ્બરમે કહ્યું હતું કે, આઈએનએક્સ મીડિયા કેસમા એફઆઈઆરમાં તેઓનું નામ જ નથી. વધુમાં તેઓ કાયદાનું સંરક્ષણ માગી રહ્યા છે તેમ કહ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં ચિદમ્બરમ સાથે કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, ગુલામ નબી આઝાદ, અહેમદ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.  કોંગેસ કાર્યાલયેથી ઘરે પહોંચ્યા બાદ સીબીઆઈની ટીમને ચિદમ્બરમની ધરપકડ માટે ભારે જહેમત કરવી પડી હતી અને દિલ્હી પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. જ્યારે પૂર્વ નાણામંત્રીના ઘર બહાર કોંગ્રેસ કાર્યકરોએ ભારે હંગામો મચાવ્યો હતો અને મારપીટના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ અગાઉ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી પણ તત્કાળ રાહત મળી શકી નથી. જસ્ટિસ એનવી રમન્નાની ખંડપીઠે કેસની લિસ્ટિંગ વિના સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતે અને શુક્રવારે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો. તત્કાળ સુનાવણીનો ઈનકાર થતા ચિદમ્બરમના 11 વકીલની ટીમ સીજેઆઈની કોર્ટમાં પહોંચી હતી. જો કે આ 11 વકીલની ટીમ પણ ચિદમ્બરમને રાહત અપાવવામાં નિષ્ફળ રહી હતી. આ અગાઉ કોર્ટે અરજીને ખામીયુક્ત ગણાવી હતી. આ દરમિયાન ઈડી અને સીબીઆઈએ ચિદમ્બરમ સામે લૂકઆઉટ નોટિસ જારી કરી હતી. જેના કારણે હવે ચિદમ્બરમ જાણ કર્યા વિના દેશ છોડીને જઈ શકશે નહીં.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમનો પક્ષ રજૂ કરતા વરિષ્ઠ વકીલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે પૂર્વ નાણામંત્રીની ધરપકડ ઉપર રોકની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, મારા અસીલ ભાગી નથી રહ્યા. આ મામલે કોર્ટે કહ્યું હતું કે, અરજકર્તાની અરજી ખામીયુક્ત છે અને તેમાંથી ખામી દૂર થયા બાદ જ તેનું લિસ્ટિંગ થઈ શકશે. આ અગાઉ રજિસ્ટ્રારે અદાલતને જાણકારી આપી હતી કે લિસ્ટિંગ ઉપર નિર્ણય સીજેઆઈ કરશે અને તેના આદેશની રાહ છે. આ દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું હતું કે અરજીમાં ખામી દૂર થઈ છે અને હવે સુનાવણી થઈ શકશે. જેને લઈને જસ્ટિસ રમન્નાએ ભાર દઈને કહ્યું હતું કે, ચીફ જસ્ટિસ આદેશ આપે તો મામલાની સુનાવણી કરી શકે છે. ત્યારબાદ ન્યાયિક રજિસ્ટ્રારે ચિદમ્બરમના વકીલને જાણકારી આપી હતી કે મુખ્ય ન્યાયાધીશે શુક્રવારે સુનાવણી નક્કી કરી છે.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer