વધારાની જમીન પરત નહીં કરનારા બીલ્ડરની ધરપકડ

મુંબઈ, તા. 22 : વધારાની જમીન મુંબઈ બિલ્ડિંગ ઍન્ડ રિપેર્સ ઍન્ડ રિકન્સ્ટ્ર. બોર્ડ (એમબીઆરઆરબી)ને પરત કરવામાં નિષ્ફળ જનારા અને રૂા. 2.5 કરોડનું તેને નુકસાન કરાવનારા એક બીલ્ડરની ધરપકડ કરાઈ છે.
અબ્દુલ મૂસા પટેલ (72) સરપ્લસ એરિયા ડિફોલ્ટ કેસમાં શહેરમાંથી પકડાયેલો બીજો બીલ્ડર છે. અગાઉ બોર્ડને 472 ચો.મી. જમીન નહીં સુપરત કરનારા અને તે દ્વારા રૂા. 10 કરોડનું નુકસાન કરનારા શ્રીજી બીલ્ડરના પ્રકાશ મહેતાની ઈઓડબલ્યુએ ધરપકડ કરી હતી.
પટેલની આગોતરા જામીનની અરજી નકારાયા બાદ ઈઓડબલ્યુના હાઉસિંગ યુનિટે બુધવારે તેની ધરપકડ કરી હતી. પોલીસે કરેલા કેસ મુજબ પટેલે 2003માં અગ્રીપાડામાં એક બિલ્ડિંગ રિડેવલપ કરી, જેમાં તેણે કાયદાનુસાર 115.2 ચો.મી. વધારાની જમીન પરત કરવાની હતી, પરંતુ તેમ કરવામાં પટેલ નિષ્ફળ ગયો હતો.
ડેવલપમૅન્ટ કંટ્રોલ રૂલ્સ મુજબ કોઈ પણ વધારાનો બિલ્ટપ એરિયા મ્હાડાને પરત કરવાનો હોય છે. દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે બોર્ડે વર્ષ 2000થી 2017 સુધી પટેલને 12 રિમાઈન્ડર મોકલ્યા હતા. પટેલે તેનો તાજેતરમાં જવાબ આપતાં કહ્યું હતું કે 2005માં તેની કંપનીએ બોર્ડને બે ફ્લેટ 
સોંપ્યા હતા.
જોકે, બોર્ડે પોલીસને જણાવ્યું હતું કે તેના રેકર્ડમાં એવું કંઈ જણાયું ન હતું. હકીકતમાં આ ફ્લૅટ પહેલેથી જ ઓક્યુપાઈડ હતા. તત્પશ્ચાત્ બોર્ડે એફઆઈઆર નોંધાવી જણાવ્યું હતું કે રેડી રેકનર રેટ્સ મુજબ પટેલે બોર્ડને રૂા. 2.5 કરોડનું નુકસાન  કરાવ્યું હતું.

Published on: Thu, 22 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer