દોઢ દાયકામાં વજન ઘટાડવા માટેની શત્રક્રિયાઓમાં 100 ગણો વધારો

દોઢ દાયકામાં વજન ઘટાડવા માટેની શત્રક્રિયાઓમાં 100 ગણો વધારો
નવી દિલ્હી, તા. 22 : ભારતમાં છેલ્લાં 15 વર્ષમાં વેઈટ લોસ સર્જરીમાં 100 ગણો વધારો થયો છે. તેની સંખ્યા 2004માં 200થી વધી 2019માં 20000 જેટલી થઈ હોવાનું ઓબેસિટી સર્જરી સોસાયટી અૉફ ઇન્ડિયાએ જણાવ્યું હતું.
આ મુદતમાં તેના નિષ્ણાત સર્જનોની સંખ્યા પણ આઠ (2003માં)થી વધીને 450 થઈ હતી. વેઈટ લોસ કે બેરિયાટ્રિક સર્જરીમાં વ્યક્તિની ભૂખ ઘટાડવા માટે તેના પેટના હિસ્સાના બાયપાસિંગ અથવા સ્ટેપ્લિંગનો સમાવેશ થાય છે. આવી સર્જરીમાં થયેલો ધરખમ વધારો દર્શાવે છે કે દેશમાં સ્થૂળતાની સમસ્યા ઝડપથી વધી રહી છે.
જોકે, અમેરિકા કરતાં ભારતમાં તેનું પ્રમાણ ઘણું ઓછું છે, જ્યાં ગયા વર્ષે 2.5 લાખ લોકોએ બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી.
દરમિયાન, આ ક્ષેત્રના નિષ્ણાત ડૉ. અરુણ પ્રસાદે જણાવ્યું હતું કે મોટા ભાગના લોકો જીવનપદ્ધતિ પર `અંકુશો' આવી જાય ત્યારે તેનાથી કંટાળીને વેઈટ લોસ સર્જરી કરાવે છે.
ડાયાબિટીસ કાબૂમાં રાખવા આવી સર્જરી કરાવનારાઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી હોવાનું જણાવતાં ડૉ. પ્રસાદે ઉમેર્યું હતું કે આ સર્જરી ખર્ચાળ હોવા છતાં અનેક લોકો કરાવતા હોય છે.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer