ચિદમ્બરમ હજી તપાસમાં સહકાર આપતા નથી

ચિદમ્બરમ હજી તપાસમાં સહકાર આપતા નથી
નવી દિલ્હી, તા. 22 : આઈએનએક્સ પ્રકરણમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કૉંગ્રેસ નેતા પી. ચિદમ્બરમની ગઈકાલે રાત્રે હાઈવોલ્ટેજ ડ્રામા પછી થયેલી ધરપકડ પછી તેમને સીબીઆઈના હેડ ક્વાર્ટર્સમાં લઈ જવાયા હતા. સૌથી પહેલાં તેમને હૉસ્પિટલમાં મોકલી તેમના સ્વાસ્થ્યનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ડૉક્ટરોએ તેમને પૂછપરછ માટે ફીટ જાહેર કરતાં સીબીઆઈએ તેમની પૂછપરછ શરૂ કરી હતી.
આ દરમિયાન તેમને ડીનર માટે પૂછવામાં આવ્યું હતું, પરંતુ ચિદમ્બરમે કંઈ પણ ખાવાનો ઈનકાર કર્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ ચિદમ્બરમે રાત્રે એકલા હોવાનો ડર લાગતો હોવાનું કહેતાં લોકપમાં જવાનો ઈનકાર કર્યો, તો સીબીઆઈનો એક અધિકારી તેમની સાથે જ રૂમમાં રોકાયો હતો.
જાણવા એમ પણ મળે છે કે સીબીઆઈએ ચિદમ્બરમને લગભગ ડઝન જેટલા સીધા સવાલો પૂછ્યા હતા, જેમાં એફઆઈપીબીના નિયમોમાં બદલાવનો વિરોધ શા માટે થયો નહીં. કાર્તિ અને ઈન્દ્રાણી મુખર્જીની મુલાકાત કેવી રીતે થઈ, લાંચના પૈસા ક્યાં ગયા વગેરે? માહિતી પ્રમાણે ચિદમ્બરમ પૂછપરછમાં સહકાર આપવાના બદલે સવાલોના જવાબને બદલે ઊલટાનું સીબીઆઈના અધિકારીઓને જ વળતા સવાલો કરતા હતા.
પી ચિદમ્બરમને આજે બપોરે 2 વાગ્યા પછી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈ આજે સાઉથ રેવન્યૂ કોર્ટમાં પૂર્વ ગૃહ પ્રધાનને રજૂ કરશે. આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ પછી સીબીઆઈ તેમની જ્યુડિશિયલ કસ્ટડી માગે તેવી શક્યતા છે. બીજી બાજુ કૉંગ્રેસ પણ આજે પત્રકાર પરિષદ કરવાની છે.
જાણવા મળતી માહિતી મુજબ કૉંગ્રેસના નેતા અને દેશના નાણાં તથા ગૃહપ્રધાન રહી ચૂકેલા પી ચિદમ્બરમ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને નાણાંની હેરાફેરીના છ મોટા કેસ થયેલા છે. આ તમામ કેસો નીચલી કે ઉપલી અદાલતોમાં પેન્ડિંગ છે. તમામમાં સીબીઆઇ, ઇડી, આઇટી ચિદમ્બરમની પૂછપરછ કરી રહી છે કે તેમને સમન્સ પાઠવી ચૂકી છે. ત્રણ કેસમાં ચિદમ્બરમને વચગાળાના જામીન પણ મળી ચૂક્યા છે. એટલું જ નહીં, ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં ચિદમ્બરમ સાથે તેમની પત્ની નલિની, પુત્ર કાર્તિ અને પુત્રવધૂ શ્રીનિધિ પણ આરોપી છે.
ચિદમ્બરમ સામે પહેલો મોટો આરોપ આઇએનએક્સ મીડિયા ગૃપને 305 કરોડ રૂ.નું વિદેશી ભંડોળ લેવા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઈપીબી)ની મંજૂરીમાં ગેરરીતિઓ આચરવાનો છે.
મામલો 2007નો છે ત્યારે ચિદમ્બરમ નાણાપ્રધાન હતા. તેઓ તપાસ એજન્સીઓના રડાર પર ત્યારે આવ્યા કે જ્યારે આઇએનએક્સની પ્રમોટર ઇન્દ્રાણી મુખર્જી અને તેના પતિ પીટર મુખર્જીની ઇડીએ પૂછપરછ કરી.

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer