મનસેના કાર્યકર્તાઓની અટક : દ. મુંબઈમાં ભારે બંદોબસ્ત

મનસેના કાર્યકર્તાઓની અટક : દ. મુંબઈમાં ભારે બંદોબસ્ત
રાજ ઠાકરેની આજે ED દ્વારા પૂછપરછ
મુંબઈ, તા. 22 : કોહિનૂર મિલ પ્રકરણે મનસે અધ્યક્ષ રાજ ઠાકરેની આજે ઈડી સમક્ષ પૂછપરછ થવાની છે. આ પાર્શ્વભૂમિકા પર ઈડી કાર્યાલય, રાજ ઠાકરેના નિવાસસ્થાન કૃષ્ણકુંજ અને દક્ષિણ મુંબઈ વિસ્તારમાં પોલીસનો ભારે બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન ઉદ્ભવે નહીં તે માટે પોલીસે મનસે કાર્યકર્તાઓને અટકમાં લેવાનું શરૂ કર્યું છે, જેમાં મનસેના નેતા સંદીપ દેશપાંડેનો પણ સમાવેશ થાય છે. રાજ ઠાકરે પોતાની પત્ની અને પુત્ર સાથે ઈડી સમક્ષ હાજર થવાના છે.
દરમિયાન આજે ઈડી સમક્ષ હાજર થનારા રાજ ઠાકરેએ મનસે કાર્યકરોને ઈડી અૉફિસ બહાર એકઠા નહીં થવા બુધવારે નવેસરથી અપીલ કરી હતી. `મારી મંગળવારની અપીલ છતાં કેટલાક લોકો ઈડી અૉફિસે જવા વિચારી રહ્યા છે. જો તેઓ ખરેખર મને ચાહતા હોય તો હું તેઓને તેમ નહીં કરવા અપીલ કરું છું,' એમ રાજ ઠાકરેએ જણાવ્યું હતું. 
પોલીસે ઈડીની અૉફિસ તરફ જનારા રસ્તાઓ પર બેરીકેડ્સ  મૂકી દીધા છે.
દરમિયાન, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ પક્ષ કાર્યકરોને શાંતિ જાળવવા અપીલ કરી હોવા છતાં મુંબઈ પોલીસે સુરક્ષાના ઉપાય તરીકે પ્રતિબંધાત્મક ઉપાયયોજના શરૂ કરી છે.
પોલીસે ગઈ કાલે શહેરના મુખ્ય મનસે પદાધિકારીઓ, કાર્યકરોને કલમ 149 અન્વયે નોટિસ મોકલી કાયદો અને વ્યવસ્થા ખોરવાય એવું કોઈ પણ કામ નહીં કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસે તેમને શહેરમાં જારી જમાવબંધીના આદેશની પણ યાદ અપાવી હતી.
મનસે કાર્યકર્તાઓ ગરબડ કરી શકે છે એવી ગુપ્ત માહિતી મળવાથી પોલીસે બે દિવસ પહેલા જ મનસેના મુખ્ય કાર્યકરોની માહિતી મેળવવાની શરૂઆત કરી હતી. પોલીસે બે દિવસથી મનસે કાર્યકરોના મનસૂબાની માહિતી પ્રાપ્ત કરવાનો પ્રારંભ કર્યો હતો.
તમામ શાખાઓના મુખ્ય પદાધિકારીઓને મળી પોલીસે કાયદો હાથમાં નહીં લેવાની તેમ જ કાયદો અને વ્યવસ્થા બગડે તેવું કંઈ પણ કામ નહીં કરવાની તાકીદ કરી હતી. દાદર, શિવાજી પાર્ક અને અન્ય પોલીસ સ્ટેશનની હદમાં રહેનારા પદાધિકારીઓને તેવી નોટિસ જારી કરી હતી.
ધરણા-આંદોલન જેવી કોઈ પણ કાર્યવાહી કરનારાઓને જવાબદાર ઠરાવી તેમના પર કાયદેસર કામ ચલાવવામાં આવશે. મનસેનું વર્ચસ્વ ધરાવતા શહેરના વિવિધ વિસ્તારો સહિત બેલાર્ડ પીયર વિસ્તારમાં આવેલા ઈડીના વિભાગીય કાર્યાલય બહાર કડક પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.
 
 
 
 
 

Published on: Thu, 22 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer