મૂડી''સે ભારતના જીડીપીના વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 6.2 ટકા કર્યો

મૂડી''સે ભારતના જીડીપીના વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 6.2 ટકા કર્યો
નવી દિલ્હી, તા. 23 (પીટીઆઈ) : મૂડી'સની ઈન્વેસ્ટર્સ સર્વિસે શુક્રવારે ભારતના જીડીપીના વૃદ્ધિદરનો અંદાજ વર્ષ, 2019 માટે 6.8 ટકાથી ઘટાડીને 6.2 ટકા કર્યો છે.
તે સાથે વર્ષ 2020માં જીડીપીનો વૃદ્ધિદરનો અંદાજ પણ ઘટાડીને 6.7 ટકા કરવામાં આવ્યો હોવાનું મૂડી'સે જણાવ્યું છે.
મૂડી'સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર નબળું પડવાથી એશિયન દેશોની નિકાસને ફટકો પડયો છે અને રોકાણને વિપરીત અસર પડી છે.
બજેટ પછી ભારતમાં આવતા વિદેશી રોકાણ ઉપર સુપર રિચ ટૅક્સ લાદવાની ભલામણથી એફપીઆઈએ શૅરબજારમાં વેચવાલીનું વલણ અપનાવતાં અને એનબીએફસીમાં રોકડ પ્રવાહની અછતના કારણે ધિરાણના વૃદ્ધિદરને માઠી અસર પહોંચી છે.
રિયલ્ટી અને અૉટોમોબાઈલ સેક્ટર્સમાં પાછલા છ મહિનાથી ઉત્પાદનને માઠી અસર પડી છે અને તેના પગલે હજારો કર્મચારીઓ ઉપર બેરોજગારીની તલવાર લટકી રહી છે.
આ અગાઉ ક્રિસિલે ભારતના જીડીપીના વૃદ્ધિદરમાં વિકાસ અંદાજ અગાઉના 7.1 ટકાથી ઘટાડીને 6.9 ટકા કર્યો હતો. ટૂંકા ગાળામાં માગ અને રોકાણ ઘટવાથી આ અંદાજ ઘટાડવામાં આવ્યો હોવાનું ક્રિસિલે જણાવ્યું હતું. આરબીઆઈએ તેની નાણાનીતિની પાછલી દ્વિમાસિક સમીક્ષા બેઠકમાં વર્ષ, 2019-'20 માટે જીડીપીનો અંદાજ 7 ટકાથી ઘટાડીને 6.9 ટકા કર્યો હતો.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer