મુંબઈ, તા. 23 : બૃહદ મુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બીઈએસટી- બૅસ્ટ)એ તેની 90 વર્ષ જૂની હાફ ટિકિટની પ્રથાને આ વર્ષના જુલાઈથી બંધ કરી છે. તેથી હવે માતા-પિતાએ તેમનાં બાળકો માટે અડધીના બદલે ફરજિયાત આખી ટિકિટ ખરીદવી પડશે.
આ વર્ષના જુલાઈથી ભાડાંમાં એકંદર ઘટાડાને ધ્યાનમાં લેતાં હાફ ટિકિટની સુવિધા રદ કરાઈ હોવાનું બૅસ્ટના અધિકારીએ જણાવ્યું હતું. કેટલાક અધિકારીઓએ સંકેત આપ્યો હતો કે આ સુવિધા હવે ક્યારેય પણ શરૂ નહીં કરાય, અર્થાત્ સદાય માટે બંધ થઈ છે.
બૅસ્ટે બસભાડાંમાં ઘટાડો ર્ક્યો તે જાણીને ખુશી થઈ છે, પરંતુ હાફ ટિકિટની પ્રથા નાબૂદ કરવાનો નિર્ણય યોગ્ય જણાતો નથી. તેઓએ હાફ ટિકિટની પ્રથા ચાલુ રાખવાની જરૂર હતી, એમ ઘાટકોપરની એક મહિલા મુસાફરે જણાવ્યું હતું.
અમને ગયા સપ્તાહના અંતે જ હાફ ટિકિટની પ્રથા રદ થઈ હોવાનું જણાયું, હવે અમારે અમારાં બાળકો માટે પૂરી રકમ ચૂકવવી પડશે. અથવા આખી ટિકિટ લેવી પડશે. બસનાં ભાડાં ઘટાડાનો લાભ લેવા અમે બસમાં મુસાફરી કરવાનું નક્કી ર્ક્યું હતું, એમ ઘાટકોપરથી કળંબોલી જતી મહિલા મુસાફરે જણાવ્યું હતું.
બૅસ્ટ કમિટીના સભ્ય સુનીલ ગનચાર્યે કહ્યું હતું કે ભાડાં ઘટયાં હોવાથી તેઓએ હાફ ટિકિટની પ્રથા કદાચ પાછી ખેંચી લીધી હોય. પરંતુ બાળકો માટેની આ સુવિધા બંધ કરવી તે વાજબી નથી. આગામી સમયમાં તેઓ ફરીથી શરૂ કરે તેવી મને આશા છે. અમે હાફ ટિકિટ માટેની માગણી રજૂ કરીશું.
Published on: Sat, 24 Aug 2019