અર્થતંત્ર તૂટવાની અણી પર કૉંગ્રેસ

રાહુલ, પ્રિયંકા, તિવારીના સરકાર પર પ્રહારો

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 23 : કૉંગ્રેસે શુક્રવારે અર્થતંત્રના મુદ્દે સરકાર પર ચોતરફી વાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેના ખુદના સલાહકારો અભૂતપૂર્વ કટોકટીની ચેતવણી આપી રહ્યા છે અને સુધારાનો કોઈ સંકેત દેખાતો નથી. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટર દ્વારા સરકાર પર પ્રહાર કર્યા હતા ત્યાર બાદ પ્રિયંકા ગાંધી વડરા અને પક્ષના સોશિયલ મીડિયા સેલે પણ સરકાર પર પ્રહારો કર્યા હતા.
`સરકારના પોતાના આર્થિક સલાહકારોએ આખરે ભારતનું અર્થતંત્ર ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયું છે એવી અમે લાંબા સમયથી જે ચેતવણી આપી રહ્યા છીએ તેનો સ્વીકાર કર્યો છે. હવે અમારો ઉકેલ સ્વીકારીને અર્થતંત્રને `િરમોનેટાઈઝ' કરો. જરૂરિયાતમંદોના હાથમાં પૈસા આપો ન કે લાલચુઓના હાથમાં', એમ સરકારની થિંક ટેન્ક નીતિ આયોગના વાઈસ ચૅરમૅન રાજીવકુમારના નિવેદનને ટાંકીને તેમણે જણાવ્યું હતું.
વર્તમાન આર્થિક મંદીને `અસાધારણ પરિસ્થિતિ' ગણાવતાં રાજીવકુમારે કહ્યું હતું કે, `છેલ્લાં 70 વર્ષમાં આવી જાતની નાણાંની પ્રવાહિતાની અછત આપણે જોઈ નથી જેમાં સમગ્ર નાણાં ક્ષેત્ર મુશ્કેલીમાં સપડાયું છે.'
`ભાજપ સરકારે સ્પષ્ટપણે ખુલાસો કરવો જોઈએ કે અર્થતંત્રની આવી ખરાબ હાલત શા માટે થઈ છે. વેપાર-ધંધા પડી ભાંગ્યા છે, ઉદ્યોગો કટોકટીમાં ફસાયા છે, રૂપિયો નબળો પડતો જાય છે અને નોકરીઓમાંથી છટણી ચાલુ છે. આ નુકસાની કોણ ભરપાઈ કરશે ? એમ પ્રિયંકા ગાંધી વડરાએ હિન્દીમાં ટ્વીટ કર્યું હતું.
કૉંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ નીતિ આયોગના રાજીવકુમારને તેમની કબૂલાત માટે અભિનંદન આપ્યાં હતાં. રાજીવકુમારના મંતવ્ય સાથે સૂર મિલાવતાં તિવારીએ જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્રની વર્તમાન સ્થિતિ અસાધારણ છે જે છેલ્લાં 70 વર્ષમાં ક્યારે પણ જોવા મળી નથી. હાલ અંદાજે 3 કરોડ લોકો પર નોકરી ગુમાવવાની તલવાર લટકી રહી છે.
ભારતીય અર્થતંત્રનો વિકાસદર 5.7 ટકા સુધી નીચે ગયો હોવાનું જણાવતાં તિવારીએ કહ્યું હતું કે ટેક્સ્ટાઈલ ઉદ્યોગ દરરોજ એવી જાહેરાત કરતું આવ્યું છે કે, છેલ્લા એક દાયકામાં આટલો ખરાબ સમય આ ઉદ્યોગે જોયો નથી.
ચા ઉદ્યોગમાં કટોકટીના તાજેતરના આંકડાઓનો ઉલ્લેખ કરતાં તિવારીએ જણાવ્યું હતું કે, અૉટોમોબાઈલ ઉદ્યોગ, બિસ્કિટ ઉદ્યોગ પણ આવી જ કટોકટીનો સામનો કરી રહ્યો છે.
આજે ડૉલરની સામે તૂટીને રૂપિયો 72 થયો હતો જે એશિયામાં સૌથી ખરાબ કામગીરી બજાવતું ચલણ બન્યું છે, એમ તિવારીએ વધુમાં જણાવ્યું હતું.
Published on: Sat, 24 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer