મનસેનો વળતો પ્રહાર ઇડીને મોકલાવી નોટિસ

મનસેનો વળતો પ્રહાર ઇડીને મોકલાવી નોટિસ
મરાઠીમાં પાટિયાં મૂકવા માટે ઇડીને કરી તાકીદ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : મનસેના વડા રાજ ઠાકરેની કોહિનૂર મિલ પ્રકરણ અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સાડા આઠ કલાક સુધી આકરી પૂછપરછ કરવામાં આવી હતી. હવે મનસેએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને કચેરીની બહારનું નામનું પાટિયું મરાઠી ભાષામાં મૂકવાની નોટિસ મોકલી છે.
મનસેનાં સૂત્રોએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકારી કચેરીનાં પાટિયાં મરાઠી ભાષામાં હોવા જોઇએ એ બાબત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કચેરીના અધિકારીઓ ભૂલી ગયા છે, પરંતુ અમે ભૂલ્યા નથી. અમે આ બાબતની ફરિયાદ જિલ્લા કલેક્ટરને કરી છે. આ નોટિસની નકલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પણ મોકલવામાં આવી છે. મરાઠી ભાષા વિભાગ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મરાઠીમાં પાટિયાં લગાડવાની ફરજ પાડશે? એવો પ્રશ્ન પણ મનસેએ પૂછ્યો છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કચેરીમાંથી બહાર આવ્યા પછી રાજ ઠાકરેએ પત્રકારો સાથે બોલવાનું ટાળ્યું હતું અને તેઓ સીધા કૃષ્ણકુંજ તરફ જવા રવાના થયા હતા. તેમના ઘરની બહાર મનસેના નેતા, કાર્યકરો અને ચાહકોની મોટી ભીડ જામી હતી. કૃષ્ણકુંજની બહાર પણ તેમણે પત્રકારો સાથે બોલવાનું ટાળ્યું હતું. જોકે, તેમણે બે વાક્યમાં પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આ પ્રકારની કેટલીય બાબતો મારી સાથે કરવામાં આવે તો પણ મારું મોઢું બંધ નહીં થાય. હું પત્રકારો સમક્ષ યોગ્ય સમયે બોલીશ એમ રાજ ઠાકરેએ ઉમેર્યું હતું.
Published on: Sat, 24 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer