મોદીને હંમેશાં ખરાબ કહેવા એ ખોટું છે સિંઘવી

મોદીને હંમેશાં ખરાબ કહેવા એ ખોટું છે સિંઘવી
જયરામ રમેશ બાદ સિંઘવીનો પણ સૂર બદલાયો

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 23 : જયરામ રમેશ બાદ અન્ય એક કૉંગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હંમેશાં ખરાબ ગણવા એ ખોટું છે અને વ્યક્તિગત રીતે નહીં, પરંતુ મુદ્દાના આધારે મુલવવા જોઇએ.
અભિષેક મનુ સિંઘવી જયરામ રમેશની એવી ટિપ્પણી પર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા હતા જેમાં તેમણે એક પુસ્તકના વિમોચન પ્રસંગે જણાવ્યું હતું કે, મોદી સરકારની હકારાત્મક બાબતોનું વિશ્લેષણ કરવું જોઇએ અને તેમની સિદ્ધિઓને નહીં બિરદાવવાથી વિપક્ષને કોઈ ફાયદો થવાનો નથી. આ ટિપ્પણી એવા સમયે કરવામાં આવી છે જ્યારે કૉંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ કે જેઓ જામીન મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે. તેમની સામે રાજકીય બદલો લેવાનો સરકાર પર કૉંગ્રેસ પ્રહાર કરી રહી છે.
વડા પ્રધાન પર નહીં, પરંતુ તેમની નીતિઓ પર પ્રહાર કરીને કૉંગ્રેસની અંદર જે નવી વિચારધારાએ જન્મ લીધો છે તેનું પ્રતિબિંબ રમેશ અને સિંઘવીની ટિપ્પણીઓમાં પડી રહ્યું છે.
આ બન્ને નેતાઓની ટિપ્પણીઓ આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કૉંગ્રેસે જે વલણ અપનાવ્યું હતું તેનાથી વિપરીત છે. રાહુલ ગાંધીએ રફાલ સોદાના મુદ્દે વડા પ્રધાનને ``ચૌકીદાર ચોર હૈ'' કહ્યા હતા અને તેમની આ ઝુંબેશ ચૂંટણીમાં ફ્લોપ ગઈ હતી.
જમ્મુ અને કાશ્મીરના ખાસ દરજ્જાને નાબૂદ કરવાના વડા પ્રધાનના હિંમતભર્યાં પગલાંને કૉંગ્રેસની અંદર જ ટેકો મળતા પક્ષને આંચકો લાગ્યો હતો.
`હંમેશાં કહેતો આવ્યો છું કે, વડા પ્રધાનને ખરાબ કહેવા એ ખોટું છે. તેઓ ન કેવળ રાષ્ટ્રના વડા પ્રધાન છે અને એક રીતે વિપક્ષો તેમને મદદ કરી રહ્યા છે. તેમના કૃત્યોને વ્યક્તિગત રીતે નહીં, પરંતુ મુદ્દાના આધારે મુલવવા જોઇએ અન્ય સારાં કાર્યોમાં ઉજ્જવલા યોજના પણ સારી છે.' એમ સિંઘવીએ જણાવ્યું હતું.
`જો તમે તેમને હંમેશાં ખરાબ કહેતા રહેશો તો તમે તેમનો મુકાબલો કરી નહીં શકો.' એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
Published on: Sat, 24 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer