સાઉદીની અૉઇલ કંપની ઉપર હુમલાથી સોનામાં સુધારો

સાઉદીની અૉઇલ કંપની ઉપર હુમલાથી સોનામાં સુધારો
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 16 : સાઉદી અરેબિયાની મોટી અૉઇલ કંપની અરામકો ઉપર થયેલા વિદ્રોહી હુમલા પછી સોનાના ભાવમાં તેજી આવી હતી. ગયા અઠવાડિયામાં સોનું તૂટયું હતું પણ હુમલા પછી ન્યૂ યોર્ક સોનું 1504 ડૉલરની સપાટીએ રનિંગ હતું. મિડલ ઇસ્ટમાં વાતાવરણ ડહોળાવાને લીધે સોનામાં સલામત રોકાણની માગ નીકળી હતી.
ક્રૂડતેલના ભાવ 20 ટકા જેટલા વધીને 60.46 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી જતા ફુગાવો વધી જવાના ભયને લીઘે રોકાણકારો સોનું સલામત રોકાણ માટે ખરીદી રહ્યા છે. જુલિયસ બેર નામના વિશ્લેષક કહે છે, ફુગાવાના ભયને લીધે સોનામાં ખરીદી વધી છે. વળી, સેઇફ હેવન માગ પણ સાથે ભળી છે એટલે સોનું 1500 નીચે વધુ સમય રહી શક્યું નથી.
સાઉદીમાં હુમલો થયો તેની જવાબદારી યમનના હોઉથી જૂથે સ્વીકારી છે. હુમલો શનિવારે બે પ્લાન્ટ ઉપર કરવામાં આવ્યો હતો. હુમલા પછી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું હતું કે, અમે વળતો હુમલો કરવા માટે તૈયાર છીએ. જો જરૂર પડશે તો અમે હુમલો કરીશું.
એમકેએસના વિશ્લેષક કહે છે, ટૂંકાગાળઆમાં સોનાને 1500 ડૉલરની સપાટીએ ટેકો મળશે. સાઉદીમાં ટેન્શન હળવું થઇ જાય તો ફરીથી સોનાનો ભાવ 1480-1485ના સ્તરે પહોંચી શકે છે. કેટલાક વિશ્લેષકો કહે છે, સોનાનો ભાવ અત્યારે વધ્યો છે પણ તે કામચલાઉ છે. મોટી તેજીની શક્યતા દેખાતી નથી. સોનાની અસરથી ચાંદીનો ભાવ 17.84 ડૉલરની સપાટીએ પહોંચ્યો હતો. 
સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂા. 50ના સુધારા સાથે રૂા. 37000 હતો. ચાંદી કિલોએ રૂા. 500 ના ઉછાળામાં રૂા. 45500 હતી. મુંબઈમાં સોનું રૂા. 360 વધીને રૂા. 37,936 અને ચાંદી રૂા. 330 વધતા રૂા. 46065 હતી.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer