બે હજાર ટન કાંદાની આયાત થશે

બે હજાર ટન કાંદાની આયાત થશે
લઘુતમ નિકાસ ભાવ વધારવામાં આવ્યો
મુંબઈ, તા. 16 : ડિરેક્ટર જનરલ અૉફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ એક સર્ક્યુલર જાહેર કરીને કાંદા ઉપર પ્રતિ ટન 850 ડૉલરનો ન્યૂનતમ નિકાસ ભાવ (મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ) નક્કી કર્યો છે. ઉપરાંત અધિકૃત એજન્સીઓ દ્વારા 2000 ટન કાંદાની આયાતને પણ મંજૂરી આપી છે.
એમએમટીસીએ પહેલાથી જ કાશ્મીરના મુદ્દાને લીધે પાકિસ્તાનથી કાંદાની આયાત નહીં કરવાનો નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાન અને ચીન વર્તમાન ભાવે અથવા ઊંચા ભાવે ભારતમાં નિકાસ કરી શકે છે. જોકે વેપારીઓએ ડીજીએફટીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. વધતા ભાવને નિયંત્રણમાં લાવવા સરકારે આ નિર્ણય લીધો હતો.
સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કાંદાના ભાવ (અૉગસ્ટ પછી) બમણા વધ્યા છે. મહારાષ્ટ્રના સૌથી મોટા હોલસેલ બજાર લાસલગાંવમાં અૉગસ્ટમાં કાંદાનો ભાવ પ્રતિ કિલો રૂા. 13.20 હતો, જે હાલ રૂા. 29.50ની આસપાસ છે. જોકે આ સમયગાળામાં આવક પણ ઘટીને 900 ટન થઈ હતી, જે છ અઠવાડિયા પહેલાં 2356 ટન હતી. અન્ય બજારોમાં પણ કાંદાના ભાવમાં ઉછાળો આવ્યો છે. લાસલગાંવ એપીએમસીના ચૅરમૅન જયદત્ત સીતારામ હોલકરે કહ્યું કે સરકારની કાર્યવાહી અનપેક્ષિત છે. ખેડૂતો પાસે આવી કમાણીની તક ત્રણ-ચાર વર્ષે એક વખત આવે છે. જ્યારે કાંદાના ભાવ ઉત્પાદન ખર્ચથી પણ ઘટી જાય ત્યારે સરકાર હસ્તક્ષેપ કરતી નથી. જ્યાં સુધી દેશમાં આયાત થશે, ત્યાં સુધી બજારોમાં નવા પાક આવતા રહેશે. પરંતુ હાલની જાહેરાતથી આની ગતિ ધીમી પડશે. આ વર્ષના ફેબ્રુઆરીથી મે મહિના સુધી કાંદાના ભાવ પ્રતિ કિલો ચારથી નવ રૂપિયાની વચ્ચે હતા. ત્યારબાદ અૉગસ્ટમાં વધીને પ્રતિ કિલો 11.13 રૂપિયા થયા. પૂર અને કોલ્ડ સ્ટોરેજમાં ભેજના વધુ પ્રમાણના લીધે પાક બગડયા હોવાના સમાચારો ફરતા ભાવ નોંધપાત્ર વધ્યા હતા.
નાશિકના વેપારીઓનું કહેવું છે કે અમુક કાંદા ઉત્પાદક ક્ષેત્રોમાં પાણી ભરાવાને લીધે નુકસાન થવાનો અંદાજ છે. પરિણામે આવતા એક મહિના સુધી ભાવ વધુ રહેવાની જ સંભાવના છે. મુંબઈની રિટેલ બજારોમાં ભાવ પ્રતિ કિલો રૂા. 40 બોલાઇ રહ્યો છે. અહીંના વેચાણકર્તાઓનું માનવું છે કે આગામી અમુક અઠવાડિયા સુધી ભાવ પ્રતિ કિલો રૂા. 50ની આસપાસ રહેશે.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer