ક્રૂડતેલમાં 28 વર્ષનો સૌથી મોટો ઉછાળો

ક્રૂડતેલમાં 28 વર્ષનો સૌથી મોટો ઉછાળો
પેટ્રોલ-ડીઝલના ભાવ રૂા. 4થી 5 વધી શકે
એવિએશન, પેઇન્ટ્સ અને ઓઇલ કંપનીઓના શેર્સમાં ભારે વેચવાલી
નવી દિલ્હી, તા. 16 : સાઉદી અરેબિયાના અબકૈક અને ખુરૈસ વિસ્તારો અમેરિકા અને ઇરાન વચ્ચેના ભૂ - રાજકીય સંકટમાં સપડાયા હોવાથી ક્રૂડતેલનો ભાવ સોમવારે વધીને 28 વર્ષની ટોચે ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલનો ભાવ પ્રતિ બૅરલ 71.95 ડૉલર થયો હતો જે ટકાવારીમાં(19.5 ટકા) 28 વર્ષનો સૌથી માટો ઉછાળો દશાર્વે છે. ક્રૂડમાં અચાનક તેજી ફાટી નીકળવાથી અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 4થી 5 રૂપિયાનો વધારો થવાની ભીતિ સેવાઇ રહી છે કારણકે ક્રૂડ તેલનો સાઉદીથી વૈશ્વિક પુરવઠો પાંચ ટકા જેટલો ઘટયો છે. 
અમેરિકાએ ઇરાન ઉપર આર્થિક પ્રતિબંધો લાદ્યા તે પછી અખાતમાં વાતાવરણ તંગ બન્યું છે અને સાઉદીની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની અરામકોના પ્લાન્ટ ઉપર ડ્રોન વડે હુમલો થવાથી કંપનીનું ઉત્પાદન 50 ટકા ઘટયું છે. આ ઘટનાથી ક્રૂડતેલનો વૈશ્વિક પુરવઠો ઘટતાં ભાવમાં તેજી આવી છે. 
મંદીના પ્રભાવ હેઠળ આવેલા ભારતીય ઉદ્યોગોમાં ખાસ તો ક્રૂડનો ઉપયોગ કરતા ઉદ્યોગોમાં પેઇન્ટ્સ, ટાયર, સિમેન્ટ, ઓઇલ - ગૅસ અને અૉટો કંપનીઓ ઉપર આ વધારાથી માઠી અસર પડશે, એમ સમીક્ષકોએ જણાવ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલમાં તેજી આવતાં અહીંની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેર્સમાં આજે ઇન્ટ્રાડેમાં ધોવાણ થયું હતું. તેમાં ઇન્ડિયન ઓઇલ, બીપીસીએલ, અને એચપીસીએલને માઠી અસર થવાની શક્યતા સમીક્ષકોએ વ્યક્ત કરી છે. જોકે, ગેઇલ માટે આ ઘટનાની સકારાત્મક અસર થઇ શકે, એમ તેમણે ઉમેર્યું હતું. 
સાઉદીની ઓઇલ ફિલ્ડ ઉપર હુમલો થવાથી સાઉદી સરકાર દ્વારા વળતા હુમલાની આશંકા સેવાઇ રહી છે અને તે કારણે ક્રૂડ ઓઇલના ભાવ નજીકના સમયમાં ઘટવાની શક્યતા જણાતી નથી અને અહીં પેટ્રોલ - ડીઝલના ભાવ વધશે અને તેની સીધી અસરથી ફુગાવો વધશે, જે અત્યાર સુધી આરબીઆઇના લક્ષ્યની નીચે રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે આરબીઆઇ તેની આગામી ઓક્ટોબર માસની નાણાં સમીક્ષાની બેઠકમાં વ્યાજ દર ઘટાડવાના સ્થાને યથાવત્ રાખે તેવી સંભાવના વધી ગઇ હોવાનું માર્કેટ સમીક્ષકોનું માનવું છે. 
આજના ક્રૂડ ઉછાળાના કારણે એવિએશન, પેઇન્ટ્સ અને ઓઇલ કંપનીઓના શેર્સમાં વેચવાલી નીકળી હતી. 
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer