યુતિ તૂટે તો ભાજપ રાણેનો અને સેના ભુજબળનો ઉપયોગ કરશે

ભાજપ અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીની વાટાઘાટો અટકી પડી
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે બન્ને કહે છે કે વિધાનસભાની ચૂંટણી માટે અમારી યુતિ થશે, પણ એ વાસ્તવિકતા હજી સાકાર થઈ નથી. તેથી રાજકીય વર્તુળોમાં તે વિશે અટકળો શરૂ થઈ છે.
ઉદ્ધવ ઠાકરેએ છેક ચૂંટણી ટાણે આરે પ્રકલ્પની હાલત નાણાર રિફાઈનરી પ્રકલ્પ જેવી કરવાની અને શ્રીરામ મંદિરની પ્રથમ ઈંટ અમે મૂકશું એવા નિવેદનો કરીને જાણે પોતે ભાજપ સાથે સ્પર્ધામાં હોય એવી છાપ ઊભી કરી છે.
ભાજપ અને શિવસેનાના ટોચના નેતાઓ ભલે કહે કે અમારી યુતિ થવાની છે. આમ છતાં બેઠકોની વહેંચણીની દિશામાં અવરોધ આવ્યો છે. તેથી વાટાઘાટો આગળ વધતી નથી. વાટાઘાટો પડી ભાંગી પણ નથી, પરંતુ તેમાં અવરોધ આવ્યો છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શિવસેનાએ તો `સેકન્ડ લાઈન ઓફ એકશન'ની પણ તૈયારી રાખી છે. અર્થાત્ મંત્રણા પડી ભાંગે અને યુતિ ન થાય તો શું કરવું? એ શિવસેનાએ વિચારી રાખ્યું છે. શિવસેનાએ વિધાનસભાની બધી 288 બેઠકો માટે ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેવાની શરૂઆત કરી છે.
યુતિની વાટાઘાટો તૂટી પડે એવી શક્યતા ખૂબ જ અલ્પ છે. આમ છતાં તે અશક્ય નથી. અૉક્ટોબર, 2014ના યુતિ તૂટવાના અનુભવ પછી બન્ને પક્ષો સાવચેત છે. જો યુતિ તૂટે તો ભાજપ તેના સાંસદ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેને શિવસેના સામે બાથ ભીડવા આગળ કરશે.
શિવસેના રાષ્ટ્રવાદીના નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબળને પોતાના પક્ષમાં આવકારશે. શિવસેનામાં ભુજબળને લેવા અંગે ઉત્સાહ અને નારાજગી એમ બંને મતપ્રવાહ પ્રવર્તે છે. રાણે કોંકણમાં વર્ચસ ધરાવે છે અને તેઓ વિધાનસભાની ચારથી પાંચ બેઠકો ભાજપને જીતાડી આપી શકે એમ છે. ભુજબળ નાસિક જિલ્લામાં સારી વગ ધરાવે છે. તેથી ભાજપમાં રાણેને આગળ કરે પછી તેના જવાબમાં શિવસેના ભુજબળની મદદ લેશે. છગન ભુજબળે આજે નાસિકમાં રાષ્ટ્રવાદીના વડા શરદ પવારે બોલાવેલી બેઠકમાં છગન ભુજબળે હાજરી આપી નહોતી. તેથી ભુજબળ રાષ્ટ્રવાદી નહીં છોડે એમ કોઈ ખાતરીપૂર્વક કહી શકે એમ નથી.
વિધાનસભાની ચૂંટણી માટે આચારસંહિતા લાગુ પડવા માટે હવે ગણતરીના દિવસો બાકી છે. કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસે બેઠકોની વહેંચણીને અંતિમ રૂપ અપાયાની જાહેરાત કરી દીધી છે. જ્યારે ભાજપ અને શિવસેના વચ્ચેની વાટાઘાટો આગળ વધતી નહીં હોવાથી તર્કવિતર્ક શરૂ થયા છે.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer