સાયન હૉસ્પિટલમાં વૅન્ટિલેટરના અભાવે સિનિયર સિટિઝનનું મૃત્યુ?

મુંબઈ, તા.16 (પીટીઆઇ) : પાલિકા સંચાલિત સાયન હૉસ્પિટલમાં આજે એક સિનિયર સિટિઝનનું મૃત્યુ થયા બાદ મૃતકના પરિવારે આક્ષેપ કર્યો હતો કે હૉસ્પિટલ તરફથી વૅન્ટિલેટરની વ્યવસ્થા આપવામાં ન આવી અને અમ્બુ પંપ (દરદીના સગાને આપવામાં આવતો હાથથી સંચાલિત નાનો પંપ) અસરકારક ન નીવડયો.
મૃતકના સગા નૂર અંસારીએ જણાવ્યું હતું કે અંબરનાથમાં રહેતા તેના સગા 65 વર્ષના નબી અહમદ અંસારીને ગયા અઠવાડિયે બ્રેઇન હેમરેજ થતાં ખાનગી હૉસ્પિટલમાં લઇ જવાયાં હતાં અને ત્યાંથી તેમને સાયન હૉસ્પિટલમાં ખસેડાયાં હતાં. છેલ્લાં બે દિવસથી હૉસ્પિટલ તરફથી વૅન્ટિલેટરની સુવિધા ન મળી અને અમે દર બે કલાકે ડૉક્ટરોની સૂચના પ્રમાણે અમ્બુ પંપથી કામ ચલાવતા હતા. અન્ય હૉસ્પિટલોમાં પણ અમે વૅન્ટિલેટર માટે પૃચ્છા કરી હતી, પરંતુ મળી શક્યું નહોતું. 
સાયન હૉસ્પિટલના ડીન ડૉ મોહન જોશીના જણાવ્યા પ્રમાણે મુંબઈની સૌથી વધુ મેડિકલ સુવિધા ધરાવતી આ હૉસ્પિટલમાં કેટલા વૅન્ટિલેટર છે એનો ચોક્કસ આંકડો હું નથી જાણતો, પરંતુ વૅન્ટિલેટર ઉપલબ્ધ ન હોય ત્યારે અમ્બુ પંપ પણ વૅન્ટિલેટરની ગરજ સારે છે. આવા કેસમાં અમ્બુ પંપનો ઉપયોગ સામાન્ય છે.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer