યોગી સરકારને હાઈકોર્ટનો આંચકો

17 ઓબીસી જાતિને એસસી સૂચિમાં સમાવવાના નિર્ણય પર રોક લગાવી
નવી દિલ્હી, તા.16 : અલ્લાહાબાદ હાઈકોર્ટે ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારને મોટો ઝાટકો આપ્યો હતો. કોર્ટે ઓબીસીની 17 જાતિને એસસીમાં સામેલ કરવાના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. કોર્ટે મુખ્ય સચિવ સમાજ કલ્યાણ મનોજકુમાર સિંહ પાસેથી વ્યક્તિગત એફિડેવિટ માગી છે.
જસ્ટિસ સુધીર અગ્રવાલ અને જસ્ટિસ રાજીવ મિશ્રની ડિવિઝન બેન્ચે આ આદેશ આપ્યો હતો. કોર્ટે સરકારના નિર્ણયને અયોગ્ય માન્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે આ પ્રકારનો નિર્ણય લેવાનો અધિકાર સરકારને હતો નહીં. 
હાઈકોર્ટે યોગી સરકારને જણાવ્યું હતું કે પ્રદેશ સરકારને આ પ્રકારનો નિર્ણય લેવાનો અધિકાર નથી. માત્ર સંસદ જ એસસી-એસટી જાતિઓમાં કોઈ ફેરફાર કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશ સરકારે 24મી જૂનના શાસનાદેશ જારી કર્યો હતો. યોગી સરકારે 17 પછાત જાતિ (ઓબીસી)ને અનુસૂચિત જાતિ (એસસી)ની સૂચિમાં સામેલ કરી હતી. આ જાતિઓને એસસીની સૂચિમાં સામેલ કરવા માટે યોગી સરકારે એવું કારણ આપ્યું હતું કે આ જાતિઓ સામાજિક અને આર્થિક રીતે વધુ પછાત છે. યોગી સરકારે આ 17 જાતિને અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર આપવાનો નિર્ણય કર્યો હતો. સરકારના આ નિર્ણયે રાજકીય જંગ પણ છેડયો હતા.
જે 17 જાતિને એસસીમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી તેમાં નિષાદ, બિંદ, મલ્લાહ, કેવટ, કશ્યપ, ભર, ઘીવર, બાથમ, મછુઆરા, પ્રજાપતિ વગેરેનો સમાવેશ થતો હતો.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer