સેલ્ફ રિડેવલપમેન્ટ કરવા માગતી સોસાયટીઓને મળશે અનેક છૂટછાટ

સિંગલ વિન્ડો સિસ્ટમ ઊભી કરાશે, છ મહિનાની અંદર તમામ પરવાનગી મળશે, કરવેરા અને પ્રીમિયમમાં રાહત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 :  વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્ય સરકારે લોકો પર લહાણીઓનો વરસાદ વરસાવવાનું સતત ચાલુ રાખ્યું છે. આવી એક મહત્ત્વની લહાણીમાં સરકારે રિડેવલપમેન્ટ કરાવવા માગતી હાઉસિંગ સોસાયટીઓને અનેક છૂટછાટોની જાહેરાત કરી છે. આમાં સેલ્ફ રિડેવલપમેન્ટ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ ઉપરાંત વધારાની એફએસઆઈ અને પ્રોજેક્ટ સમયસર પૂરો થાય એ માટે પ્લાનિંગ ઓથોરિટી પાસેથી સમયબદ્ધ પરવાનગીઓની ખાતરીનો સમાવેશ છે.
સેલ્ફ રિડેવપલમેન્ટમાં હાઉસિંગ સોસાયટી કોઈ બીલ્ડર કે ડેવલપરને અપોઈન્ટ કરવાને બદલે બાંધકામ કૉન્ટ્રેકટરને અપોઈન્ટ કરે છે. આ કૉન્ટ્રેકટરને બાંધકામ ખર્ચ પ્રમાણે પૈસા ચૂકવવામાં આવે છે અને સેલેબલ ફ્લેટમાંથી નક્કી કર્યા પ્રમાણે હિસ્સો આપવામાં આવે છે. આવાં ફ્લેટનાં વેચાણમાંથી જે પૈસા આવે છે એ સોસાયટીનો નફો ગણવામાં આવે છે.
રાજ્ય સરકારે સેલ્ફ રિડેવલપમેન્ટને આપવામાં આવેલી છૂટછાટોનું જીઆર પણ કાઢવામાં આવ્યું છે. એમાં જણાવાયું છે કે જે બિલ્ડિંગો 30 વર્ષ કે તેથી વધુ જૂની હશે એને જ સેલ્ફ રિડેવલપમેન્ટનો લાભ મળશે. સેલ્ફ રિડેવલપમેન્ટ માટેની તમામ પરવાનગીઓ માટે સિંગલ વિન્ડોમાંથી મળશે. આ બધી પરવાનગી અરજી કર્યાના છ મહિનાની અંદર આપી દેવાશે. સેલ્ફ રિડેવપલમેન્ટ કરતી સોસાયટીઓને 10 ટકા વધારાની એફએસઆઈ અપાશે.
અત્યારે સરકાર 9 મીટરથી નાના રોડ પરના પ્રોજેક્ટને સરકાર 0.2ની એફએસઆઈ આપે છે. સેલ્ફ રિડેવપલમેન્ટમાં આ એફએસઆઈ કોઈપણ ખર્ચ વગર 0.4ની થશે. ટીડીઆર પણ સોસાયટીઓને 50 ટકાના દરે અપાશે. એ ઉપરાંત પ્લાનિંગ ઓથોરિટી જે પ્રીમિયમ વસૂલ કરે છે એમાં પણ રાહત અપાશે.
પ્લાનિંગ ઓથોરિટીને આપવામાં આવતી રકમ પણ હપ્તામાં આપી શકાશે. સ્ટેમ્પ ડયૂટી અને કરવેરામાં પણ રાહત આપવાનો જીઆરમાં ઉલ્લેખ છે. ઉદાહરણ તરીકે સોસાયટી જો સેલ્ફ રિડેવપલમેન્ટ નક્કી કરેલા સમયમાં પૂરું કરે તો લેન્ડ અન્ડર કન્સ્ટ્રકશન એસેસમેન્ટ ટૅક્સમાંથી છૂટ અપાશે. વડા પ્રધાન આવાસ યોજનાના ઘરોમાં સ્ટેમ્પ ડયૂટીમાં જેમ રાહત અપાય છે એ પ્રમાણેની રાહત  સેલ્ફ રિડેવપલમેન્ટ હેઠળ બાંધવામાં આવેલાં ફ્લેટનાં માલિકોને અપાશે. જોકે, વેચાણ માટેના ફ્લેટો માટેની સ્ટેમ્પ ડયૂટી પ્રવર્તમાન દર પ્રમાણે વસૂલ કરાશે.
સોસાયટીઓને જીએસટીમાં પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જે લોન લેવામાં આવશે તેના પર સરકારની ચાર ટકા સબસીડી મળશે. સેલ્ફ રિડેવલપમેન્ટની મંજૂરી બાદ સોસાયટીઓએ ત્રણ વર્ષની અંદર કામ પૂરું કરવાનું રહેશે.
મહારાષ્ટ્ર સોસાયટીઝ વેલફેર ઍસોસિયેશનના ચૅરમૅન રમેશ પ્રભુએ કહ્યું હતું કે સરકાર આ માગણીઓનો સ્વીકાર કરે એની લાંબા સમયથી રાહ જોવાતી હતી અને સરકારે અંતે એ સ્વીકારી છે. આનો અનેક હાઉસિંગ સોસાયટીઓને લાભ મળશે.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer