ટ્રાફિક નિયમોની કડક અમલવારી

ટ્રાફિક નિયમોની કડક અમલવારી
સુરતમાં ટેમ્પોચાલક પાસે પાંચ હજારનો દંડ વસૂલાયો
અમારા પ્રતિનિધિ તરફથી,
સુરત તા. 16 : આજથી ગુજરાતમાં મોટર વ્હીકલ એક્ટની કડક અમલવારી શરૂ કરાઈ છે. શહેરમાં સહારા દરવાજા પાસે કાપડનો જથ્થો ભરીને ટેમ્પો હંકારતા ગોવિંદભાઈ સુરેશભાઈ પટેલને ટેમ્પોનું ફિટનેસ સર્ટિફિકેટ ન હોવાનાં કારણે ટ્રાફિક પોલીસે દંડની નવી જોગવાઈ પ્રમાણે રૂા. પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ગોવિંદભાઈએ કોઈપણ પ્રકારની દલીલ કર્યા વિના પાંચ હજારનો આકરો દંડ ભરી દીધો હતો.
સુરત સહિત રાજ્યભરમાં ટ્રાફિકના નવા કાયદામાં દંડની આકરી જોગવાઈને લઈને લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારની દંડની આકરી જોગવાઈમાં રાજ્ય સરકારે રાહત આપી હોવા છતાં લોકોની નારાજગી સોશિયલ મીડિયાના માધ્યમથી જોવા મળી રહી છે. ગોવિંદભાઈને ફટકારવામાં આવેલાં ટ્રાફિક મેમોનું ફરફરીયું સોશિયલ મીડિયામાં વાયરલ કરાયું હતું. ટેમ્પો ચાલક પાસે લાઇસન્સ સહિતનાં બીજા ડોક્યુમેન્ટ હતાં, પરંતુ ટેમ્પોનું ફિટનેસ સર્ટિફિકેટ ન હોવાથી ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો હતો.
આજે દિવસભર લોકોએ હેલમેટ ખરીદવા અને પીયુસી કઢાવવા માટે ભારે દોડધામ કરી હતી. હેલમેટ વગરનાં અનેક બાઈક અને મોપેડ ચાલકોને રૂા. 500નો દંડ ભરવાની નોબત આવી હતી.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer