ફારૂક અબ્દુલ્લાની પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ અટકાયત

ફારૂક અબ્દુલ્લાની પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ અટકાયત
આ કાયદા હેઠળ અટકાયતનું સ્થળ અસ્થાયી જેલ અને બે વર્ષ સુધી રાખી શકાય
શ્રીનગર, તા. 16 : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) અંતર્ગત અટકાયતમાં લઈ લેવામાં આવ્યા છે. એટલું જ નહીં તેમને જે સ્થાન પર રાખવામાં આવ્યા છે તેને એક આદેશ દ્વારા જ અસ્થાયી જેલ જાહેર કરી દેવામાં આવી છે.
પીએસએના કાયદા અંતર્ગત કોઈ પણ શખ્સને કોઈ કેસ વિના બે વર્ષ સુધી અટકાયતમાં રાખી શકાય છે. બીજીબાજુ એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કાશ્મીરની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ કાયદાને ફારૂક અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લાના કાર્યકાળ દરમ્યાન પહેલીવાર લાગુ કરવામાં આવ્યો હતો. ફારૂક અબ્દુલ્લા શ્રીનગરમાંથી લોકસભામાં સાંસદ પણ છે અને પાંચમી ઓગસ્ટથી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની મોટાભાગની જોગવાઈ રદ કરવામાં આવ્યા બાદ અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભાગલા પાડવાના નિર્ણય બાદ અબ્દુલ્લા નજરબંધ છે.
હાલમાં જ, નેશનલ કોન્ફરન્સના સાંસદોને ફારૂક તથા તેમના પુત્ર તથા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને મળવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ આ પ્રતિબંધ બાદ હવે તેઓ મુલાકાત પછી માધ્યમો સાથે વાતચીત નહીં કરી શકે.
બીજીબાજુ, ઓવૈસીએ કાશ્મીરની સ્થિતિ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, `પૂર્વ મુખ્યમંત્રી ગુલામનબી આઝાદ અને જમ્મુ-કાશ્મીર જનારાઓ માટે સુપ્રીમ કોર્ટમાંથી મંજૂરી શા માટે લેવી પડી રહી છે ? એનાથી અસર પડે છે કે, ખીણમાં સ્થિતિ સામાન્ય નથી.'
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer