કેવડિયામાં આજે વડાપ્રધાનના હસ્તે નર્મદા નીરનાં વધામણાં

કેવડિયામાં આજે વડાપ્રધાનના હસ્તે નર્મદા નીરનાં વધામણાં
અમદાવાદ, તા.16: ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ સપાટી 138 મીટરથી વધુએ ભરાઈ ગયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે કેવડિયા ખાતે `નમામિ દેવી નર્મદે મહોત્સવ'માં સહભાગી બનીને નર્મદાના નીરના વધામણાં કરશે. આ અવસરે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. 
ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ મહોત્સવ અંગેની વિગત આપતા જણાવ્યું હતું કે, ``નમામિ દેવી નર્મદે'' મહોત્સવ નિમિત્તે સવારે 9થી 10 એક કલાક દરમિયાન નદી, નાળા, તળાવોમાં રોજિંદા જીવનમાં વપરાતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું એકત્રિકરણ કરાશે. તેમણે સ્વચ્છતા જાળવવા સંદર્ભે અને પર્યાવરણની જાળવણી માટે યોજનારા વૃક્ષારોપણના કાર્યક્રમોમાં નાગરિકોને જોડાવવા અનુરોધ કર્યો હતો. 
જાડેજાએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે આકાર લઈ રહેલી પ્રવાસન પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા વિવિધ પ્રોજેક્ટ્સ રીવર રાફ્ટિંગ, જંગલ સફારી પાર્ક, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વવનની મુલાકાત લઈને ગરૂડેશ્વરના દત્ત મંદિરમાં પૂજા અર્ચન કરીને જાહેરસભા સંબોધશે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના જન જનમાં મા નર્મદાના જળને નમામિ દેવી નર્મદે મહોત્સવથી વધાવવાનો અનેરો ઉમંગ ઉત્સહ જોવી મળી રહ્યો છે. રાજ્યભરમાં પ્રધાનમંડળના સભ્યો સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ જિલ્લા મથકોએ સવારે લોકમાતા મા નર્મદાના નીરનાં વધામણાં શ્રીફળ - ચુંદડી અર્પણ કરી મહાઆરતી સાથે યોજાશે. સાથે સાથે નદીકાંઠા, તળાવો, ચેકડેમ જેવા જળસ્રોતોની સફાઈ પણ હાથ ધરાશે. ``ગ્રીન ગુજરાત''ની સંકલ્પના સાથે વૃક્ષારોપણ કાર્યક્રમો પણ આ મહોત્સવ અંતર્ગત યોજાશે. વધુમાં ઉત્સવમાં લોક કલાકરો, ગુજરાતી ફિલ્મી કલાકારો, લોકસાહિત્યના અગ્રણી કલાકારો પણ સહભાગી થઈને નર્મદા મૈયાના જળ વધામણાં કરશે. વરિષ્ઠ સાધુ-સંતો, ધર્મગુરૂઓ, સેવાભાવી સંગઠનોના વડાઓ સહિત વિવિધ ક્ષેત્રના ગણમાન્ય વ્યક્તિ વિશેષ પણ આ જનઉમંગ ઉત્સવમાં જોડાશે.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer