કાશ્મીરમાં ઝડપથી પરિસ્થિતિને થાળે પાડવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટની તાકીદ

કાશ્મીરમાં ઝડપથી પરિસ્થિતિને થાળે પાડવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટની તાકીદ
ગુલામ નબી આઝાદને કાશ્મીરની મુલાકાત લેવા છૂટ આપી : ચીફ જસ્ટીસ ગોગોઈએ કહ્યું, કોર્ટોનો સંપર્ક સાધવામાં લોકોને પડતી મુશ્કેલી તપાસવા જરૂર પડયે રાજ્યની મુલાકાત લઈશ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 16 : સુપ્રીમ કોર્ટે સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી બાદ ઊભી થયેલી સ્થિતિ પરની અરજીઓની સુનાવણી કરતાં આ રાજ્યમાં જેમ બને તેમ જલદી રાબેતા મુજબની પરિસ્થિતિ સ્થાપવાના તમામ પ્રયાસો કરવાનું કેન્દ્ર સરકારને જણાવ્યું હતું અને સાથે સાથે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવાની કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને છૂટ આપી હતી પરંતુ તેઓ ત્યાં કોઈ રાજકીય રૅલી કાઢી શકશે નહિ એવો પણ હુકમ કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ગુલામ નબી આઝાદ લોકોને મળવા શ્રીનગર, જમ્મુ, બારામુલ્લા અને અનંતનાગ જિલ્લાની મુલાકાત લઈ શકે છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ સોમવારે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના દાવેદારોને કોર્ટોનો સંપર્ક સાધવામાં ખરેખર મુશ્કેલી પડી રહી છે કે કેમ તે જોવા પોતે આ રાજ્યની મુલાકાત લઈ શકે છે. `આ બાબતને સૌથી અગત્યની ગણાવતાં જસ્ટિસ ગોગોઈએ ન્યાય મેળવવા સંબંધમાં જમ્મુ અને કાશ્મીર હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસેથી અહેવાલ પણ મગાવ્યો હતો.
`જો જરૂર પડશે તો હું અંગત રીતે ત્યાં જઈશ અને ચકાસણી કરીશ' એમ જમ્મુ અને કાશ્મીરમાં હાઈ કોર્ટમાં અરજી કરવામાં મુશ્કેલી પડે છે એવી રજૂઆત થયા બાદ મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું.
વરિષ્ઠ ધારાશાત્રી દુઝફા અહમદીએ જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિમાં હાઈ કોર્ટમાં જવાનું મુશ્કેલ બન્યું છે અને એટલે જ બાળ અધિકારો માટેના એક્ટિવીસ્ટ એનાકસી ગાંગુલી અને શાંતા સિંહાએ સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક સાધ્યો છે.
આ અરજીમાં કલમ 370ની નાબૂદી બાદ રાજ્યમાં બાળકોની ગેરકાયદે અટકાયત અને તેમના અધિકારોના ભંગ વિષે જણાવવામાં આવ્યું છે.
જસ્ટિસ ગોગોઈએ જણાવ્યું હતું કે તેઓ દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે આ મુદ્દે વાત કરશે. જોકે ગોગોઈએ અહમદીને એવી પણ ચેતવણી આપી હતી કે જો તેમની આ રજૂઆત ખોટી સાબિત થશે તો તેમણે પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે.
સુપ્રીમ કોર્ટે હાલ અટકાયત હેઠળ રખાયેલા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લાને કોર્ટ સમક્ષ રજૂ કરવાની દાદ ચાહતી અરજી પર કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર વહીવટ તંત્રનો જવાબ માગ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિઓ એસ.એ. બોબડે અને એસ.એ. નઝીરની બેન્ચે કેન્દ્ર અને રાજ્યને નોટિસ પાઠવી હતી અને રાજ્યસભાના સાંસદ અને એમડીએમકેના નેતા વાઇકોની અરજીની સુનાવણી 30 સપ્ટેમ્બરના નક્કી કરી હતી.
અબદુલ્લા છેલ્લા ચાર દાયકાથી મારા નજીકના મિત્ર છે એમ જણાવીને વાઇકોએ એવી દલીલ કરી હતી કે, નેશનલ કૉન્ફરન્સના આ નેતાને મળેલા બંધારણના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે અને તેમની ગેરકાયદે અટકાયત કરવામાં આવી છે.
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અને આર્ટિકલ 370ની નાબૂદીને પડકારતી જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ કૉન્ફરન્સ (જેકેપીસી) દ્વારા કરાયેલી અરજીને દાખલ કરવાની સુપ્રીમ કોર્ટે સંમતિ દર્શાવી હતી.
Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer