લાલબાગચા રાજા : સોનાના દાગીનાના લિલામમાં રૂા. 1.25 કરોડ ઊપજ્યા

મુંબઈ, તા. 17 : શહેરના વિખ્યાત એવા મોટા ગણપતિ લાલબાગચા રાજાને ચઢાવાયેલા સોનાના દાગીનાનું ગઈકાલે રાત્રે અૉક્શન થયું હતું, જેમાં તેના રૂા. 1.25 કરોડ ઊપજ્યા હતા ત્યારે આ મંડળને મળેલા કુલ રૂા. 5.05 કરોડના કેશ કલેકશનને આ સાથે ગણતરીમાં લેતા આ મોસમમાં આ મંડળને કુલ રૂા. 6.30 કરોડની આવક થઈ એમ કહી શકાય. બાપ્પાને ચઢાવાયેલ અન્ય બીજી નાની આઈટમોનું વેચાણ મંગળવાર - બુધવારે યોજવામાં આવ્યું છે.
આ અૉક્શનમાં જેની સૌથી વધુ કિંમત ઊપજી તેમાં સોનાની થાળીનો સેટ (બે બોટલ, બે ચમચા અને ગ્લાસ) જે રૂા. 43 લાખમાં વેચાયો હતો. આ સેટનું વજન 1237 ગ્રામ હતું. અમને એક કિલો ગોલ્ડ બાર પણ મળ્યું હતું જેના રૂા. 39.51 લાખ ઊપજ્યા હતા. વધુમાં ત્યાં સોનાના પાનથી આવરી લેવાયેલા ચાંદીના પગની જોડી રહી હતી, જેનું વજન 500 ગ્રામ હતું અને તે રૂા. 66000માં વેચાઈ હતી. તો એક સોનાનો ગળાનો હાર રૂા. 1.5 લાખની કિંમતે વેચાયો હતો. તો અન્ય છૂટક આઈટમોમાં ચાંદીનો નેકલેસ અને સોનાની ચેઈન અનુક્રમે રૂા. એક લાખ અને રૂા. 1.5 લાખમાં વેચાઈ હતી.
જોકે, હજી અન્ય બીજી થોડી આઈટમોનું વેચાણ કરવાનું બાકી છે અને આ આઈટમો બજારભાવથી આગામી બે-એક દિવસમાં વેચાશે, એમ મંડળના ખજાનચી મંગેશ દળવીએ કહ્યું હતું.

Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer