મરાઠી માણૂસનું અપમાન : ગુજરાતીને મનસે દ્વારા મારપીટ

થાણે, તા. 17 : લાંબો સમય લિફ્ટ રોકી રાખતા થયેલા ઝઘડાએ રાજકીય સ્વરૂપની સાથે ગુજરાતી વિરુદ્ધ મરાઠીના વિવાદનું સ્વરૂપ લીધું હતું. થાણેના નૌપાડા વિસ્તારમાં આવેલા સુયશ એપાર્ટમેન્ટમાં રહેતા હસમુખ શાહ અને રાહુલ પૈઠણકર વચ્ચે લિફ્ટ અંગે થયેલી બોલાચાલીએ મારામારી સુધી પહોંચતા પૈઠણકરે અને હસમુખ શાહે નૌપાડા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી. નૌપાડા પોલીસે નોન કોગ્નિઝિબલ કમ્પ્લેઈન (અદખલપાત્ર ગુનો) નોંધ્યો હતો. આ અંગે નૌપાડા પોલીસ સ્ટેશને જણાવ્યું હતું કે બંને પક્ષોએ એક બીજાને ગાળો આપી હતી. તો રાહુલ અને હસમુખ શાહ વચ્ચે થયેલી મારામારીનો વીડિયો પણ વાયરલ થયો હતો. જોકે, વીડિયો વાયરલ થયા બાદ મરાઠી વિરુદ્ધ ગુજરાતીનો વિવાદ વકર્યો હતો.
સોમવારે મનસેના નેતાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં આરોપી માફી માગતો હોવાનું દેખાય છે. માફી માગી એવા એની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. મનસેના થાણે શહેર અધ્યક્ષ અવિનાશ જાધવે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો જેમાં તેમણે ધમકીભર્યા સૂરમાં કહ્યું હતું કે મરાઠી માણસ પર હાથ ઉગામનારને છોડીશું નહીં. એ સાથે હસમુખ શાહ પાસે કાન પકડાવી માફી માગવાનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. વીડિયોમાં અવિનાશે કહ્યું કે મહારાષ્ટ્રમાં દરેક મરાઠી માણસનું સન્માન જાળવવું જોઈએ. રાજ ઠાકરેએ મને કૅમેરા સામે ગાળો ન બોલવા તથા હાથ ન ઉગામવા જણાવ્યું હતું. એમના આદેશને માન આપું છું, પણ એક વાર કૅમેરા બંધી થયા બાદ મારે જે કરવું હશે એ હું કરીશું.

Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer