વાજબી ભાવોની દુકાનોનું ખાનગીકરણ થશે

વાજબી ભાવોની દુકાનોનું ખાનગીકરણ થશે
નવી દિલ્હી, તા. 17 : દેશની જાહેર વિતરણ સેવામાં રહેલી ઊણપો દૂર કરવા કેન્દ્ર સરકારે ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય કરવાની સાથે એનું પૂર્ણપણે ખાનગીકરણ કરવાની યોજના બનાવી હોવાનું જાણવા મળ્યું છે. જો આ યોજના અમલમાં આવી તો દેશભરમાં આવેલી 4.9 લાખ રેશનની દુકાનોનું સંચાલન એક જ ખાનગી કંપની હસ્તક આવશે.
ખાનગીકરણ અંગેનો પ્રસ્તાવની બ્લુપ્રિન્ટ આખરી તબક્કામાં હોવાનું આધારભૂત સૂત્રએ જણાવ્યું હતું. જો અમલમાં મૂકવાની જાહેરાત થશે તો ફૂડ બિઝનેસમાં કાર્યરત અનેક મોટા ખેલાડીઓ મેદાનમાં આવી શકે છે. સૂત્રના જણાવ્યા મુજબ વડા પ્રધાન કાર્યાલયે આ પ્રસ્તાવ અંગે ચર્ચા-વિચારણા કરી છે. અન્ન અને જાહેર વિતરણ મંત્રાલય પણ આ પ્રસ્તાવ અંગે ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે.
અત્યારે જે લોકો રેશનિંગની દુકાનો ચલાવી રહ્યા છે, તેઓ છેલ્લાં થોડાં વરસથી માગણી કરી રહ્યા છે કે તેમની દુકાન ચલાવવા દર મહિને નિશ્ચિત રકમ આપવામાં આવે એવા લાખો દુકાનદારોના ભવિષ્યનું શું એવો સવાલ ઊભો થઈ શકે છે.
સરકાર પાસે નિશ્ચિત મહેનતાણાની માગણી સાથે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે રેશનિંગની દુકાનોના માલિકોના એસોસિયેશન દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. હાલ રેશનિંગની તમામ દુકાનોના માલિકોને ગ્રાહકોને વેચવામાં આવતા અનાજના જથ્થાના હિસાબે સંબંધિત રાજ્ય સરકાર દ્વારા કમિશન ચૂકવવામાં આવે છે.
જેમ કે આંધ્ર પ્રદેશમાં આવેલી રેશનની દુકાનને ચોખાની એક ગુણીના વેચાણ પેટે 70 રૂપિયા અને સાકરની ગુણીદીઠ 16 રૂપિયા કમિશન ચૂકવવામાં આવે છે. પેટ્રોલિયમ પેદાશોની વધતી જતી કિંમતને કારણે ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ પણ રોકેટગતિએ વધી રહ્યો છે. આથી દુકાનદારોને ખોટ સહેવાનો વારો આવતો હોવાથી કમિશનના બદલે મહિનાના ફિક્સ મહેનતાણાની માગણી કરી રહ્યા છે. દુકાનદારોના આ આંદોલને અમુક રાજ્યોમાં હિંસક વળાંક પણ લીધો હતો.
સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર સમગ્ર પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (જાહેર વિતરણ સેવા)ને એક જ ખાનગી કંપની હસ્તક સોંપશે તો રેશનિંગની દુકાનદારોની માગણીનો સીધો જવાબ હશે. જો તમામ રેશનિંગની દુકાનોને એક જ ખાનગી કંપની હસ્તક આવશે તો હાલના રેશનિંગની દુકાનોના માલિકોની ભૂમિકા કેવા પ્રકારની હશે એ એક મોટો સવાલ ખડો થાય છે. જોકે, સૂત્રનું કહેવું છે કે આ નિર્ણયનો મૂળભૂત હેતુ વિતરણ વ્યવસ્થામાં અનાજના પુરવઠાની સાથે થતા અન્ય ભ્રષ્ટાચારને ડામવાનો છે. એ સાથે આ નિર્ણય અમલમાં મુકાય તો રેશનિંગના દુકાનદારો ખાનગી કંપનીના નિયમો અને શરતો મુજબ ધંધો કરી શકે છે.

Published on: Tue, 17 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer