કાંદાના ભાવે 60 રૂપિયા પાર કર્યા બે મહિના રાહત નહીં મળે

મણિલાલ ગાલા તરફથી
મુંબઈ, તા. 20 : કાંદાના ભાવ ફરી ગૃહિણીઓને રડાવી રહ્યા છે અને લગભગ નવેમ્બરનાં અંત સુધી ભાવમાં ઘટાડો થવાની શક્યતા નથી. મુંબઈમાં વિવિધ છૂટક બજારોમાં ભાવ પ્રતિ કિલો 50થી 60 રૂપિયાને આંબી ગયા છે અને હજી તેમાં વધારો થઈ શકે છે. આથી ગૃહિણીઓનું બજેટ ખોરવાશે.
નવી મુંબઈ એપીએમસી જથ્થાબંધ કાંદા બજારમાં સામાન્ય રીતે રોજ 100 ગાડી કાંદાની આવક થતી હોય છે તે હાલ ઘટીને 70થી 80 ગાડીની થઈ છે. ત્યાં હાલ જથ્થાબંધ ભાવ પ્રતિ ક્વિન્ટલ વધીને 4200થી 4500 રૂપિયા ઉપર પહોંચ્યા છે.
કાંદા બટાટાનાં જથ્થાબંધ વેપારીઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, રાજસ્થાનમાં અનેક સ્થળોએ સતત વરસાદને કારણે સ્ટોક કરેલા કાંદાને નુકસાન થયું છે. ખાસ કરીને આંધ્ર પ્રદેશમાંથી આવતા કાંદાની આવક બંધ થઈ છે. એથી ઉલ્ટું ત્યાં કાંદા હાલ મહારાષ્ટ્રમાંથી જઈ રહ્યા છે. એવી જ રીતે કર્ણાટકમાં પાકને પણ નુકસાન થયું છે. આથી ત્યાંથી પુરવઠો અટકયો છે.
લાસલ ગાંવનાં કાંદાનાં એક વેપારીએ જણાવ્યું હતું કે અહીંની મંડીમાં હાલ જથ્થાબંધ વધીને પ્રતિ ક્વિન્ટલ રૂા. 3800થી 4400ની સપાટી પર ગુણવતા પ્રમાણે પહોંચી ગયા છે. સામાન્યરીતે લાસલ ગાંવ મંડળમાં રોજ લગભગ સરેરાશ 100થી 1000 ટ્રેક્ટર ટ્રોલીની આવક પણ હોય છે જે ઘટીને માત્ર 400થી 500 ટ્રોલીની થઈ ગઈ છે.
નવો પાક હવે 15 નવેમ્બર આસપાસ આવશે. બીજો પાક દિવાળી સુધીમાં આવશે પણ તેનો જથ્થો ઓછો હશે. આમ આવનારા બે મહિના સુધી કાંદાનાં ભાવ મચક આપશે એવું જણાતું નથી.
Published on: Sat, 21 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer