કૉંગ્રેસ હાઈ કમાન્ડે 125માંથી 104 ઉમેદવારોનાં નામ ક્લિયર કર્યાં

યાદીમાં અશોક ચવ્હાણ, પૃથ્વીરાજ ચવ્હાણ, બાળાસાહેબ થોરાત, વિજય વડેટ્ટીવારનો સમાવેશ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : દિલ્હીમાં કૉંગ્રેસની ક્રિનિંગ સમિતિએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે 104 ઉમેદવારોનાં નામને લીલી ઝંડી આપી હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્રના બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ અને પૃથ્વીરાજ ચવ્હાણ ઉપરાંત કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ બાળાસાહેબ થોરાતનો સમાવેશ છે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો છે. એમાંથી કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ 125-125 સીટ પર ચૂંટણી લડશે જ્યારે બાકી 38 સીટો મિત્ર પક્ષોને ફાળવવામાં આવી છે.
કૉંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા કે. સી. પાડવી, વિપક્ષના નેતા વિજય નામદેવરાવ વડેટ્ટીવારનાં નામનો પણ મંજૂર યાદીમાં સમાવેશ છે.
સુશીલકુમાર શિંદે, મિલિન્દ દેવરા, સંજય નિરૂપમ અને નાના પાટોલી વિધાનસભાની ચૂંટણી નથી લડવાના.
કૉંગ્રેસનાં સૂત્રોએ કહ્યું હતું કે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખોની જાહેરાત કરે એ બાદ તમામ ઉમેદવારોનાં નામની જાહેરાત કરી દેવાશે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ગઈ ચૂંટણીમાં કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસે યુતિ કરી નહોતી. કૉંગ્રેસનો 42 સીટ પર જ્યારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસનો 41 સીટ પર વિજય થયો. જ્યારે અલગ અલગ ચૂંટણી લડનાર ભાજપને 122 જ્યારે શિવસેનાને 63 સીટ મળી હતી.
તાજેતરની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને મહારાષ્ટ્રમાં માત્ર એક જ સીટ મળી હતી જ્યારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસને ફાળે ચાર સીટ ગઈ હતી. ભાજપને 23 અને શિવસેનાને 18 બેઠક મળી હતી.
મહારાષ્ટ્રની ચૂંટણી માટે કૉંગ્રેસે પ્રદેશ પ્રમાણે નેતાઓની વરણી કરી છે. મુકુલ વાસનિક વિદર્ભનો હવાલો સંભાળશે, અવિનાશ પાંડે મુંબઈ પ્રદેશ સંભાળશે, રજની પાટીલ પશ્ચિમ મહારાષ્ટ્ર અને કોંકણનો હવાલો સંભાળશે તો મરાઠવાડાનો હવાલો રાજીવ સાટવ જોશે.
Published on: Sat, 21 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer