ગૃહપ્રધાન અમિત શાહ 30મી સપ્ટેમ્બરે આવશે ગુજરાત

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.20: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આગામી તા.30મી સપ્ટેમ્બરે  ગુજરાતની મુલાકાતે આવશે. અમિત શાહ રેપિડ એક્શન ફોર્સના 27મા સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. તો સાથે જ પોતાના પૈતૃક ગામ માણસાની મુલાકાત લેશે. આ ઉપરાંત વિધાનસભાની 7 બેઠકોની પેટાચૂંટણી આવતી હોવાથી ભાજપના આગેવાનો સાથે ચૂંટણીને લઇને મિટિંગ કરે તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરએએફનો 27મો સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે તા.30મી સપ્ટેમ્બરના રોજ પોતાના હોમસ્ટેટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન હોવાના કારણે તમામ સુરક્ષા એજન્સી  તેમના વિભાગ અંતર્ગત આવે છે જેથી રેપિડ એક્શન ફોર્સના સ્થાપના દિવસના કાર્યક્રમમાં તેઓ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. સમગ્ર દેશમાં સંવેદનશીલ વિસ્તારો અને રમખાણો જેવી સ્થિતિમાં રેપિડ એક્શન ફોર્સના જવાનો ફરજ બજાવે છે ત્યારે અમદાવાદમાં કેન્દ્ર ગૃહપ્રધાન આરએએફની વાર્ષિક પરેડની સલામી ઝીલશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રેપિડ એક્શન ફોર્સના જવાનોને મળી રહેલી સુવિધાઓ અને કામગીરીની સમિક્ષા પણ કરશે. આમ તો, રેપિડ એક્શન
ફોર્સનો સ્થાપના દિવસ 7 ઓક્ટોબર છે પરંતુ કેન્દ્રીય ગૃહપ્રધાનનો અમદાવાદ પ્રવાસ પહેલેથી નિશ્ચિત હોવાથી 30 સપ્ટેમ્બરે આ ઉજવણી થશે અને તેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન હાજર રહેશે. 
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દર નવરાત્રિમાં પોતાના પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીની આરતીમાં હાજર રહે છે. આ વખતે પણ તેઓ નવરાત્રિ દરમિયાન આવી રહ્યા હોવાથી માણસા ખાતે તેઓ બહુચર માતાના મંદિરે આરતી કરશે તો સાથે જ કેટલાક સરકારી કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. 
મહત્ત્વનું છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગરના સાસંદ હોવાથી તેમનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ સતત બનતો રહે છે અને લગભગ દર મહિને તેઓ ગુજરાત આવ્યા છે.  જોકે, રાજકીય રીતે પણ કેન્દ્રીય ગૃહપ્રધાનનો આ પ્રવાસ મહત્ત્વનો બની રહેશે કારણ કે 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓની તારીખો જાહેર થયા બાદનો આ પહેલો પ્રવાસ હશે એટલે ટિકિટોના દાવેદારોની  મુલાકાત તથા રાજકીય સોગઠાબાજી પર પણ આ પ્રવાસમાં રહેશે.
Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer