મંદીમાં હીરાના કારીગરો માટે લડનાર સંગઠનના આગેવાનોની સુરતમાં અટક

દિવાળી બૉનસમાં કાર આપનાર માલિકને સંબોધીને પોસ્ટ કરતાં સંગઠન ભેરવાયું 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 20 : મંદીમાં હીરાનાં કારીગરો માટે લડત આપનાર ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનનાં કેટલાક આગેવાનોની આજે સુરત પોલીસે અટક કરતાં કારીગરોમાં આક્રોશ વ્યાપ્યો છે. સુરતની એક ટોચની ડાયમંડ પેઢી દિવાળી બોનસમાં કાર, ફ્લેટ, જ્વેલરી જેવી લકઝરીયસ આઈટમો કારીગરોને આપે છે. કારીગરોનાં સંગઠને થોડા દિવસો પહેલાં ફેસબુક પર કાર આપનાર હીરાની પેઢીનાં માલિકને સંબોધીને એક પોસ્ટ દાખલ કરી હતી જેમાં પેઢીનાં માલિકને મંદીમાં કારીગરો કારનાં હપ્તા ચૂકવવા સક્ષમ નથી. એવામાં પેઢીનાં માલિકે કારીગરોનાં કારનાં હપ્તા ચૂકવવાની જવાબદારી લેવી જોઈએ. આ મામલે કંપની દ્વારા ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતાં આજે સુરત પોલીસે સંગઠનનાં ચાર આગેવાનોની અટક કરી છે. 
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનનાં પ્રમુખ રણમલ જીલરિયા કહે છે કે, અમે પૂરે-પૂરા માન-સન્માન અને સભ્યતા સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. કારીગરો મંદીમાં કારનાં હપ્તા ભરવા સક્ષમ નથી. કારનાં બૅન્ક હપ્તા કંપની ભરે તો તેઓનું ઘર યોગ્ય રીતે ચાલી શકે. અમારો ઉદ્શે એટલો હતો કે કારીગરોની વાત કંપનીનાં માલિક સુધી પહોંચે. આ મામલે ગત 17મીએ કંપનીએ સંગઠન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. આજરોજ સંગઠનનાં આગેવાનો આવેદન આપવા માટે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં જ્યાં પોલીસે અમારી વાત સાંભળ્યા પહેલાં જ આગેવાનોની અટક કરી હતી.
સુરત પોલીસે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનનાં ઉપપ્રમુખ ભાવેશ ટાંક, સુરેશ પટેલ, જીતુભાઈ પ્રજાપતિ અને અન્ય એક આગેવાનની અટક કરી છે. પ્રમુખ જીલરિયા ઉમેરે છે કે, કારીગરોનાં હીતમાં એમ અવાજ ઉઠાવીએ છીએ ત્યારે અમારી વિરુદ્ધ અને નાણાં અને પહોંચનાં જોરે આ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે.
Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer