રૂપાણીની કારનો ફેક ફોટો વાઈરલ કરનારની પોલીસે સુરતથી ધરપકડ કરી

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 20 : સોશિયલ મીડિયામાં ફેક વીડિયો અને ફોટા વાયરલ કરનારઓની સામે પોલીસ કડક પગલાં લીધાનાં અનેક દાખલા બન્યા છે. તાજેતરમાં રાજ્યમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ કર્યા બાદ રાજ્યનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની કારનાં ફેક ફોટો વાયરલ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય પ્રધાનની ગાડીના પીયુસી, ઈન્સ્યોરન્સ ન હોવાની ખોટી માહિતી સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવી હતી. ખોટી માહિતી અપલોડ કરવાના ગુનામાં મીડિયામાં કામ કરતાં એક શખસનું નામ આવ્યું છે. સુરત સાયબર સેલ અને ક્રાઈમ બ્રાન્ચની મદદથી અમદાવાદ પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. 
સુરતમાં ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતાં રાજા નામનાં શખસે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સ્કોર્પિયો ગાડીનો ફોટો વાયરલ કર્યો હતો. આ કાર ડિરેક્ટર જનરલ અૉફ પોલીસનાં નામે નોંધાયેલી છે અને આ કારનો વીમો 31 ડિસેમ્બર 2019 સુધીનો છે. તેમ જ ગાડીનું ફિટનેશ સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ છે, જેમાં કાર 10 એપ્રિલ 2029ની સુધીની તારીખ નાખવામાં આવી છે. રાજા નામના શખસે સોશિયલ મીડિયામાં ગાડીનો વીમો, પીયુસી અને ફિટનેશ સર્ટિફિકેટ નથી તેવી માહિતી સાથે મુખ્ય પ્રધાનનો ફોટો વાયરલ કર્યો હતો. 
અમદાવાદ અને સુરતનાં ક્રાઈમ અને સાયબર સેલે આ મામલે તપાસ કરતાં ખોટી માહિતી ક્યા વપરાશકર્તાએ સોશ્યલ મીડિયામાં અપલોડ કરી છે તે જાણવા મળતાં આજે સુરત પોલીસની સાથે રહી અમદાવાદ પોલીસની ટીમે મુખ્ય પ્રધાનની ગાડીનો ખોટી માહિતી સાથે ફોટો અપલોડ કરવાનાં ગુનામાં રાજા નામના શખસની ધરપકડ કરી છે. ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતાં રાજાને અમદાવાદ પોલીસની ટીમ તેની સાથે લઈ ગઈ છે. આ સાથે બીજા અન્ય ત્રણ યુવકોને સુરત ક્રાઈમ બ્રાન્ચની અૉફિસે તપાસ અર્થે લવાયા છે.
Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer