કૉર્પોરેટ ટૅક્સ કપાત ઐતિહાસિકવડા પ્રધાન

હાઉડી ઇકોનોમી, મિ. મોદી રાહુલના પ્રહાર
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 20 : નાણાપ્રધાન નિર્મલા સીતારામને કૉર્પોરેટ ટૅક્સમાં કપાતના સ્વરૂપમાં દિવાળી પહેલાંની ભેટ જાહેર કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકારનું કૉર્પોરેટ ટૅક્સને લગતું આ પગલું ઐતિહાસિક છે અને 130 કરોડ ભારતીયો માટે `િવન વિન' સ્થિતિ જેવું છે. આનાથી મેઇક ઇન ઇન્ડિયા સ્કીમને વેગ મળશે અને રોકાણો ભારત તરફ આકર્ષાશે.
`કૉર્પોરેટ ટૅક્સમાં કાપ મૂકવાનું પગલું ઐતિહાસિક છે. તેનાથી મેઇક ઇન ઇન્ડિયા સ્કીમને ગતિ મળશે અને વિશ્વમાંથી ખાનગી રોકાણનો પ્રવાહ ભારત તરફ વહેશે. આનાથી રોજગારીની તકો ઊભી થશે અને આખરે 130 કરોડ ભારતીયો માટે `િવન વિન' સ્થિતિ પેદા થશે એમ મોદીએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું.
વડા પ્રધાને જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક સપ્તાહોથી જે જાહેરાતો કરવામાં આવી રહી છે તે સ્પષ્ટપણે બતાવે છે કે અમારી સરકાર બિઝનેસ માટે ભારતને શ્રેષ્ઠ સ્થળ બનાવવામાં કોઈ કચાશ રાખવા માગતી નથી તેમ જ સમાજના તમામ વર્ગો માટે તકો સુધારવા માગે છે અને ભારતને 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવા સમૃદ્ધિને વધારવા માગે છે. છ વર્ષના સૌથી નીચા જીડીપી વિકાસદર અને 45 વર્ષના સૌથી ઊંચા બેરોજગારી દર બાદ અર્થતંત્રને ચેતનવંતું બનાવવા ડોમેસ્ટિક કંપનીઓ પરનો કૉર્પોરેટ ટૅક્સનો દર 35 ટકામાંથી ઘટાડીને 25.2 ટકા કરવાની નાણાપ્રધાને આજે જાહેરાત કરી હતી.
આ જાહેરાત બાદ બીએસઈના સેન્સેક્ષમાં 10 વર્ષનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને ડૉલર સામે રૂપિયો 0.6 ટકા વધ્યો હતો. સ્થાનિક કંપનીઓએ આ પગલાંને વધાવ્યો હતો. વડા પ્રધાને પણ સરકારના આ મહત્ત્વનાં પગલાંને પોતાના ટ્વીટ દ્વારા શૅર કર્યો હતો.
દરમિયાન આજે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં `હાઉડી મોદી' કાર્યક્રમને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે ખાડે ગયેલા અર્થતંત્રને ઉગારવાનું સરકારનું આ છેલ્લામાં છેલ્લું પગલું આંખમાં ધૂળ નાખવા સમાન છે. `વડા પ્રધાન વિશ્વના સૌથી ખર્ચાળ એવા હ્યુસ્ટન ખાતેના કાર્યક્રમમાં શૅરબજારને ઉપર લાવવા શું કરે છે તે જોવાનું છે, પરંતુ કોઈ કાર્યક્રમ કંગાળ અર્થતંત્રની વાસ્તવિકતાને છુપાવી શકે તેમ નથી' એમ રાહુલે જણાવ્યું હતું.
વડા પ્રધાન મોદી 22 સપ્ટેમ્બરના અમેરિકાના હ્યુસ્ટન ખાતે `સોલ્ડ આઉટ', `હાઉડી મોદી' કાર્યક્રમમાં ભારતીય અમેરિકનોને સંબોધવાના છે, તેમની સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ જોડાશે. અમેરિકાના 50,000થી વધુ ભારતીય અમેરિકનોએ આ કાર્યક્રમ માટે પોતાનું નામ નોંધાવ્યું છે. `હાઉડી ઇકોનોમી મિ. મોદી?' અર્થતંત્રની હાલત કાંઈ સારી લાગતી નથી એમ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું.
Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer