યુતિની ફૉર્મ્યુલા અગાઉ જ નક્કી થઈ છે, કોઈ મુશ્કેલી નથી ઉદ્ધવ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : ભાજપ અને શિવસેના વચ્ચે વિધાનસભાની બેઠકોની વહેચણીની ફોર્મ્યુલા લોકસભાની ચૂંટણી પહેલાં જ નક્કી થઈ હતી. યુતિ થવામાં કોઈ મુશ્કેલી નથી. આગામી એકાદ બે દિવસમાં યુતિની જાહેરાત થશે, એમ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે.
વિદર્ભમાં ભાજપના આગેવાન કિશોર તિવારીએ શિવસેનામાં પ્રવેશ ર્ક્યો હતો. તે નિમિત્તે યોજાયેલી પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને શિવસેનાની યુતિ અંગે અનેક પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે નાણારનું જે થવાનું છે તે અગાઉ જ થઈ ચૂક્યું છે. આરે અંગે શિવસેનાનું વલણ લોકોની ભાવના અનુસાર છે. તેના કારણે યુતિમાં ખેંચતાણ થાય એવું કશું જ નથી. યુતિ અંગેની ચર્ચા અંતિમ તબક્કામાં છે. યુતિ થાય એવા સંજોગો છે. ફાળવવામાં આવેલી બેઠકોની સંખ્યા સન્માનજનક હોય પછી જ યુતિની જાહેરાત કરવામાં આવશે, એમ ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું.
આ પત્રકાર પરિષદ પહેલાં ઉદ્ધવે શિવસેનાના નેતાઓ અને પ્રધાનો સાથે બેઠકોની વહેચણી અંગે એક કલાક ચર્ચા કરી હતી, સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ઉદ્ધવને માહિતી આપવામાં આવી હતી કે ચર્ચા અંતિમ તબક્કામાં છે. યુતિ થાય એવા સંજોગો છે. સન્માનજનક સંખ્યામાં બેઠકો ફાળવવામાં આવે પછી જ તેની જાહેરાત કરાશે.
ભાજપ અને શિવસેનાએ અનુક્રમે 162 અને 126 બેઠકો લડવાની ફોર્મ્યુલા અંગે સમજૂતી સાધી છે.
Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer