ચા, કોફી કડવા બનશે, હૉટેલમાં રહેવું બનશે ખિસ્સા માટે આરામદાયક !

જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેફિનયુક્ત પીણાં ઉપર ટૅક્સ વધારાયો
નવી દિલ્હી, તા.20: ભારતીય ઉદ્યોગજગત માટે દિવાળી બોનાન્ઝા જેવી કોર્પોરેટ ટેક્સ રાહત સહિતની ઘોષણાઓ નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યા બાદ મળેલી જીએસટી કાઉન્સીલની 37મી બેઠકમાં કેફિનેટેડ પીણા એટલે કે ચા-કોફી સહિતનાં કેફિનયુક્ત પીણા ઉપર જીએસટીનો દર 18 ટકાથી વધારીને 28 ટકા કરી દેવામાં આવ્યો હતો. જ્યારે હોટેલ ભાડા ઉપર લાગતા જીએસટીમાં ઘટાડો કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. જેથી હોટેલમાં રોકાવાનું સસ્તુ બનશે.
આજે ગોવામાં મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં 7પ00 રૂપિયાથી વધુ ભાડાનાં હોટેલ રૂમ ઉપર 18 ટકા અને તેનાથી ઓછા ભાડાનાં રૂમમાં 12 ટકા જીએસટી નક્કી કરવામાં આવ્યો હતો. આજની આ બેઠક પૂર્વે ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે જીએસટી રાહત જાહેર થવાની આશા રાખવામાં આવતી હતી. જો કે બેઠક પૂર્વે જ જીએસટી કાઉન્સીલની ફિટમેન્ટ કમિટીએ બિસ્કીટથી માંડીને મોટરકાર સહિતની ચીજ વસ્તુઓ ઉપર ટેક્સમાં રાહત આપવાનું અશક્ય ગણાવી દીધું હતું. આવા કોઈપણ પગલાંથી કેન્દ્ર અને રાજ્યની મહેસૂલી વસૂલાતને વિપરિત અસર થવાનું કારણ આના માટે આપવામાં આવ્યું હતું.

Published on: Sat, 21 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer