નાલાસોપારામાં પોણા બે કરોડના સોનાની લૂંટ

નાલાસોપારામાં પોણા બે કરોડના સોનાની લૂંટ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : નાલાસોપારા (પૂર્વ)માં છ લૂંટારા યુનાઈટેડ પેટ્રો ફાઈનાન્સ લિમિટેડ કંપનીની આઈટીઆઈ ગોલ્ડ લોન અૉફિસ પર શુક્રવારે ત્રાટકયા હતા અને કર્મચારીઓને બંધક બનાવી પોણા બે કરોડનું સોનું તફડાવી ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હોવાથી પોલીસે એના આધારે તપાસ શરૂ કરી છે.
શુક્રવારે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આ લૂંટારા લાલ રંગની તવેરા ગાડીમાં આવ્યા હતા. પલાયન પણ આ જ ગાડીમાં થયા હતા. રસ્તામાં તેમણે તવેરા છોડી દીધી હતી અને બાઈક પર બેસી અલોપ થઈ ગયા હતા.
નાલાસોપારા (ઈસ્ટ)માં તુળીંજ પોલીસ સ્ટેશનથી 300 મીટરના અંતરે સેન્ટ્રલ પાર્કના મુખ્ય રસ્તા પર ગોલ્ડ લોનની આ અૉફિસ આવેલી છે. ત્યાં સોનાને ગિરવે મૂકી લોન આપવામાં આવે છે. એ ઉપરાંત ત્યાં લોકરની સુવિધા પણ છે.
આ છ લૂંટારાઓએ મોઢા પર રૂમાલ બાંધ્યો હતો અને મંકી કેપ પણ પહેરી હતી. અૉફિસમાં ઘુસ્યા બાદ લૂંટારાઓએ તલવાર, ચાકુ અને પિસ્તોલની અણીએ કર્મચારીઓના હાથ-પગ બાંધી દીધા હતા અને 234 લોકરમાંથી બે થેલીમાં સોનું ભરી છૂ થઈ ગયા હતા. કુલ 4.659 કિલોગ્રામ સોનું લૂંટારા લઈ ગયા છે. આ સોનાની કિંમત 1.75 કરોડ જેટલી છે.
લૂંટારાઓએ તવેરા ગાડી વિરાર (પૂર્વ)માં મોહક સિટી પરિસરમાં ત્યજી દીધી હતી અને ત્યાંથી બાઈક પર નીકળી ગયા હતા.
Published on: Sat, 21 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer