મુલુન્ડના કચ્છી શૅર ટ્રેડરના આપઘાતનું સાચું કારણ શું છે?

મુલુન્ડના કચ્છી શૅર ટ્રેડરના આપઘાતનું સાચું કારણ શું છે?
ઘનિષ્ઠ મિત્રો કહે છે, સ્ટૉક માર્કેટમાં મનીષ ઠક્કર રાયમંગિયાને ખોટ ગઈ હોવાની વાતમાં દમ નથી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : મુલુન્ડ વેસ્ટમાં ગુરુવારે સાંજે આપઘાત કરનાર શૅરબજારના કચ્છી ટ્રેડરે કયાં કારણોસર અંતિમ પગલું ભર્યું તેનું રહસ્ય ગૂઢ બનતું જાય છે. પોલીસ સૂત્રોએ ઘટના બાદ એવી માહિતી આપી હતી કે શૅરબજારમાં ખોટને કારણે મનીષ ઠક્કર રાયમગિયા (ગામ કેરા, કચ્છ)એ મુલુન્ડ વેસ્ટમાં કલ્પનગરીમાં 15 માળના ધૈવત ટાવર્સના ટેરેસ પરથી ઝંપલાવ્યું હતું. જોકે, મનીષના નજીકના મિત્રોએ શનિવારે શૅરબજારની ખોટના કારણને નકારી કાઢ્યું હતું. આ મિત્રોએ કહ્યું હતું કે મનીષ એની દરેકે-દરેક બાબત અમને જણાવતો. શૅરબજારના ખોટની વાત તેણે અમને ક્યારેય કરી નથી. તેની અને તેના પરિવારની જીવનશૈલી પરથી અમે કહી શકીએ કે તેને પૈસાની કોઈ ખેંચ નહોતી. હા, એ માઈલ્ડ ડિપ્રેશનમાં જરૂર હતો અને એની ભાંડુપના ડૉક્ટરની દવા પણ ચાલુ હતી. ડૉક્ટરે પણ એ આપઘાત કરી શકે છે એવું જણાવ્યું ન હોવા છતાં, ઘરના સભ્યો તેને એકલો મૂકતા ન હતા.
આ મિત્રોએ કહ્યું હતું કે મનીષ પાસે ચારેક પ્રૉપર્ટી પણ છે. જો ખોટ ગઈ હોય તો તેણે એકાદ પ્રૉપર્ટીને વેચી હિસાબ સરભર કરી નાખ્યો હોત. એટલે એણે કયાં કારણોસર આપઘાત ર્ક્યો હશે એ અમારા માટે પણ રહસ્ય છે.
દરમિયાન મનીષ ઠક્કર રાયમગિયાનો પાર્થિવદેહ પોસ્ટમૉર્ટમ બાદ પરિવારને શુક્રવારે સુપરત કરાયો હતો અને સાંજે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. સૂત્રોએ કહ્યું હતું કે પોલીસે હજી મનીષનાં પત્નીનું નિવેદન લીધું નથી. એ એકાદ દિવસ બાદ લેવાશે અને ત્યારે કદાચ મનીષના આપઘાતના સાચા કારણની ખબર પડે. મિત્રોએ કહ્યું હતું કે એ એટલો બધો નીતિવાન હતો કે તેના પપ્પા મંગલદાસ ઠક્કર પાસેથી પણ પૈસા લે તો પાછા આપી દેતો. પપ્પા ગરીબીમાંથી આગળ આવ્યા છે. ઈમાનદાર માનવીની  છાપ ધરાવે છે. તેઓ કેમિકલનો બિઝનેસ કરતા. મનીષ રાયમંગિયા કેમિકલ એન્જિનિયર હતા. શૅરબજાર સાથે પિતાનું કેમિકલનું કામકાજ પણ કરતો, જે કામ 2012 સુધી ર્ક્યું. એ પછી શૅરબજારનું કામ વધી જતાં કેમિકલ લાઈન સાવ છોડી દીધી હતી.
કલ્પનગરીમાં 15 માળના ધૈવત ટાવરમાં 602 નંબરના ફ્લૅટમાં રહેતા મનીષ માનસિકરીતે મજબૂત હતો. પણ થોડા વખતથી પપ્પાને કહેતો કે, મને ગમતું નથી. પપ્પા તેને હિંમત આપતા. તો પત્ની તેનું ખૂબ ધ્યાન રાખતી.
મનીષને 13 વર્ષની દીકરી અને સાડા સાત વર્ષનો દીકરો છે. આ સૂત્રોએ કહ્યું કે, મનીષ હીરો જેવો હેન્ડસમ હતો. જિમમાં જતો અને દરરોજ વૉક કરતો. અમે મળીએ ત્યારે ઘણીવાર કહેતા કે, આપણા સૌમાં કોઈ લાંબું જીવશે તો એ મનીષ છે! અમારું કપલગ્રુપ છે. ફ્રેન્ડ સર્કલમાં અમે તેની પ્રશંસા કરતા. મહિલા વર્ગ પણ મનીષને સારા માણસ તરીકે બિરદાવતો. ગઈકાલે ગુરુવારે સાંજે બિલ્ડિંગના વૉચમૅન પાસે ટેરેસની ચાવી માગી ત્યારે એમ કહ્યું હતું કે, ડિશ એન્ટેના ચેક કરવા જાઉં છું. ગઈકાલે સાંજે આશરે પોણા છ વાગ્યે બિલ્ડિંગના પરિસરમાં તેની લાશ મળી. તેણે ટેરસ પરથી કૂદકો માર્યો હતો. તેના મૃતદેહને પ્રથમ મુલુન્ડની મ્યુનિસિપલ હૉસ્પિટલમાં અને ત્યાંથી રાજાવાડી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાયો હતો.
Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer