જમ્મુ-કાશ્મીરમાં મીર વૈઝ સહિત પાંચ નેતાઓએ મુક્તિ માટે બૉન્ડસ સાઈન કર્યા

જમ્મુ-કાશ્મીરમાં મીર વૈઝ સહિત પાંચ નેતાઓએ મુક્તિ માટે બૉન્ડસ સાઈન કર્યા
શ્રીનગર, તા. 20 :  કાશ્મીરના ઓછામાં ઓછા પાંચ રાજકીય નેતાઓએ પોતાની મુક્તિ માટે બૉન્ડસ પર સહી કરી હોવાનું એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું.
આ નેતાઓની અટકાયત કોડ અૉફ ક્રિમિનલ પ્રોસિજરની કલમ 107 હેઠળ કરવામાં આવી હતી અને બૉન્ડસ પર સહી કરનારા આ નેતાઓએ એવી બાંયધરી આપી છે કે, તેઓ તેમની મુક્તિ બાદ કોઈ પણ રાજકીય પ્રવૃતિમાં ભાગ લેશે નહીં.
જેમણે બૉન્ડસ પર સહી કરી છે તેમાં હુર્રિયતના મવાળ નેતા મીર વૈઝ ઉમર ફારુક, નેશનલ કોન્ફરન્સના બે ભૂતપૂર્વ વિધાનસભ્યો, પીડીપીના એક ભૂતપૂર્વ વિધાનસભ્ય અને પીપલ્સ કોન્ફરન્સના એક નેતાનો સમાવેશ થાય છે.
ગવર્નર સત્યપાલ મલિકે 21 નવેમ્બર, 2018ના રાજ્ય વિધાનસભાનું વિસર્જન કર્યું હતું. ``જે વ્યક્તિની સીઆરપીસીની કલમ 107 હેઠળ અટકાયત થઈ હોય અને જો તે બૉન્ડસ સાઈન કરીને તેનો ભંગ કરે તો તેની ધરપકડ સહિતની કાનૂની કાર્યવાહી થઈ શકે છે. પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં રાજકીય પ્રવચનોનો સમાવેશ થાય છે'' એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
5 અૉગસ્ટના જ્યારે ગૃહપ્રધાન અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી કરવા અને રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં લાવવા રાજ્યસભામાં બે ખરડા રજૂ કર્યા તે દિવસથી રાજ્યના ઘણા રાજકીય નેતાઓને અટકાયત હેઠળ કે નજરકેદ હેઠળ મૂકવામાં આવ્યા હતા.
જમ્મુ અને કાશ્મીર સરકારની માલિકીની સેન્ટોર હોટલને સબસિડિયરી જેલમાં બદલી દેવામાં આવી હતી અને હાલ ત્યાં ભૂતપૂર્વ અમલદારમાંથી રાજકારણી બનેલા શાહ ફૈઝલ સહિત 36 રાજકીય નેતાઓને રાખવામાં આવ્યા છે. આ અધિકારીએ જણાવ્યું હતું કે, પીપલ્સ કોન્ફરન્સના ચૅરમૅન સજ્જાદ લોન અને યુવા પીડીપી નેતા વાહીદ પારા સહિતના સેન્ટર ખાતેના અટકાયતીઓમાંના કોઈએ પણ બૉન્ડસ પર સહી કરવાની સંમતિ દર્શાવી નથી.
અૉગસ્ટમાં 3000 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી અને ત્યાદ બાદ બે તૃતીયાંશ લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા. આમ હજી પણ 1000 જેટલા લોકો અટકાયત હેઠળ છે.
Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer