ભારતને મળ્યું પ્રથમ રફાલ ઉપવાયુસેના પ્રમુખે ભરી ઉડાન

ભારતને મળ્યું પ્રથમ રફાલ ઉપવાયુસેના પ્રમુખે ભરી ઉડાન
નવી દિલ્હી, તા. 20 : ભારતીય વાયુસેનાને પહેલું રાફેલ યુદ્ધવિમાન ફ્રાન્સે સોંપ્યું હતું. ઉપવાયુસેના પ્રમુખ એરમાર્શલ વી.આર. ચૌધરીએ આશરે એક કલાક સુધી વિમાનમાં ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેનાના સૂત્રો અનુસાર ગઈકાલે ભારતને ફ્રાન્સે પહેલું રાફેલ વિમાન સોંપ્યું હતું. આ રાફેલ વિમાનના ટેલ નંબર આરબી-01 છે જે ભારતીય વાયુસેનાના આગામી ચીફ એરમાર્શલ રાકેશકુમાર સિંહ ભદોરિયાના નામને દર્શાવે છે.
ભદોરિયા રાફેલ ફાઈટર જેટને ઉડાડી ચૂક્યા છે. તેઓ રાફેલને ઉડાડનારા ભારતીય વાયુસેનાના પહેલા પાઈલટ છે. તેમને ગઈકાલે જ વાયુસેનાના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆનું સ્થાન લેશે. ધનોઆ 30 સપ્ટેમ્બરના ચીફ ઓફ એર સ્ટાફના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે.
ભદોરિયા 26 પ્રકારના ફાઈટર અને ટ્રાન્સપોર્ટ વિમાન ઉડાડવાના પારંગત છે. તેમને 4250 કલાક સુધી ફાઈટર વિમાન અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉડાવવાનો અનુભવ છે. તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ (પીવીએસએમ), અતિ વિશિષ્ટ સેવા મેડલ (એવીએસએમ), વાયુસેના મેડલ (વીએમ) અને એડીસીથી સન્માનિત કરવામાં આવી ચૂકયા છે.
ઉલ્લેખનીય છે કે પાછલાં કેટલાંક વર્ષમાં રાફેલ વિમાન ખરીદવાનો કરાર સૌથી વધુ વિવાદિત અને ચર્ચિત સોદાઓ પૈકીનો એક ગણાય છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આ સોદામાં ગોટાળાનો આરોપ લગાવ્યો હતો.
Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer