નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે મેઘરાજા !

નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે મેઘરાજા !
પહેલા, બીજા અને ત્રીજા નોરતાંમાં વરસાદ પડે તેવી આગાહી
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.20: ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ એટલે ખેલૈયાને મન મુકીને રાસ-ગરબે ઘુમવાનું પર્વ. દરેક ગુજરાતીઓ નવરાત્રિના તહેવારની આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે પરંતુ નવરાત્રિના પાવન પર્વમાં મેઘરાજા તાંડવ કરી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નવરાત્રિના પ્રથમ ત્રણ  દિવસ વરસાદ ખેલૈયાના રંગમાં ભંગ લાવી શકે છે. આગામી તા.29 અને 30 સપ્ટેમ્બર તથા પહેલી અૉક્ટોબરના રોજ  વરસાદ પડવાની આગાહી છે. 
મહત્ત્વનું છે કે, નવરાત્રિનો તહેવાર સૌથી લાંબો તહેવાર હોય છે, જેની તૈયારીઓ ખાસ કરીને યુવક-યુવતીઓ બે મહિના પહેલા જ કરવા લાગે છે પરંતુ આ વર્ષે જે રીતે વરસાદ ખૂબ લાંબા સમય સુધી ટકી રહ્યો છે, તેને જોતા લાગી રહ્યું છે કે, વરસાદ નવરાત્રિમાં ભંગ લાવી શકે છે. 
જોકે, બાકીના દિવસોમાં ખેલૈયાઓ મન મુકીને ગરબા ગાઇ શકશે. પરંતુ જે રીતે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ જે આજના દિવસમાં બની જવી જોઇતી હતી પરંતુ તે ધીમે ધીમે પાછળ ખેંચાતી હોવાથી આ સિસ્મટ બે દિવસ બાદ સક્રિય થશે, જેની અસરો બીજા ત્રણ દિવસ બાદ થશે એટલે કે આવતા અઠવાડિયે પહેલા, બીજા અને ત્રીજા નોરતામાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. 
દરમિયાન મુંબઈ પાસે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. નોર્થથી સાઉથ ગુજરાતની દરિયાઇ પટ્ટી પર સર્જાયેલ આ લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં પવન સાથે ભારે વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા આગામી 21 અને 22 સપ્ટેમ્બરે  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમ જ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્ર માં લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થતા શનિવારે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, સુરત, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલીમાં, જ્યારે રવિવારે વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાંક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાંપટા પડવાની પણ સંભાવનાઓ જોવા મળે છે.
Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer