શૅરબજારમાં દિવાળી સેન્સેક્ષમાં દાયકાનો તીવ્રતમ ઉછાળો

શૅરબજારમાં દિવાળી સેન્સેક્ષમાં દાયકાનો તીવ્રતમ ઉછાળો
મુંબઈ, તા. 20 : અમેરિકાની સબપ્રાઇમ કટોકટી બાદ આવેલી શેરબજારની શાનદાર તેજીને ભૂલાવી દે તેવી બંબાટ તેજી શુક્રવારે ભારતીય બજારોમાં જોવા મળી હતી. કોર્પોરેટ ટેક્સ સહિતની નાણાપ્રધાનની આર્થિક વિકાસલક્ષી જાહેરાતોની અસરથી સેન્સેકસ દસ વર્ષના સૌથી મોટાં એક દિવસીય ઉછાળામાં ઇન્ટ્રા ડે 2284 પોઇન્ટ ઉંચકાઇને અંતે 1921 ની તેજી સાથે 38,014ના સ્તરે બંધ થયો હતો. રોકાણકારોની મૂડી શુક્રવારે એક જ દિવસમાં રૂ. 6.82 લાખ કરોડ વધી જતા ઉત્સાહનો માહોલ હતો. 
છેલ્લે સેન્સેક્સ 18મી મે 2009માં 2110 પોઇન્ટ વધ્યો હતો. એ પછી આ સૌથી મોટો ઉછાળો હતો. ટકાવારીની દ્રષ્ટિએ સેન્સેક્સ આજે પાંચ ટકા જેટલો વધ્યો હતો. નરેન્દ્ર મોદીની સરકાર 2014માં બની ત્યારે 6.15 ટકાનો જોરદાર કૂદકો સેન્સેક્સમાં જોવા મળ્યો હતો.  નિફ્ટી આંક આજે 651 પોઇન્ટના તીવ્ર ઉછાળામાં 11,355ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીમાં 713 પોઇન્ટનો ઉછાળો છેલ્લે 18મે 2019ના દિવસે જોવા મળ્યો હતો.
શેરબજારની તેજીમાં બેંકિંગ શેરો અને ઓટો શેરોનું મહત્વનું યોગદાન રહ્યું હતુ. ઓટો ઇન્ડેક્સ 9.85 ટકા અને બેંકેક્સ 8.21 ટકા ઉંચકાયો હતો. હિરો મોટોકોર્પમાં 12.52 ટકાની તેજી થઇ હતી. મારુતિમાં 10.89 ટકાની તેજી હતી. બેંકોમાં બજાજ ફાયનાન્સ, એસબીઆઇ, એચડીએફસી બેંક, આઇસીઆઇસી આઇ બેંક વગેરે 7થી 10 ટકા ઉંચકાયા હતા. પૂરપાટ તેજીમાં પણ ઇન્ફોસીસ ટીસીએસ અને ટેક મહિન્દ્રાના શેરોમાં ઘટાડો થયો હતો.
ગોવામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠક બાદ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો, નવી કંપનીઓ માટે નવો દર, મેટમાં રાહત અને બજેટમાં લગાવેલો સરચાર્જ, એસટીટી વગેરેમાં રાહત જાહેર કરી હતી. એ ઉપરાંત એફપીઆઇને પણ રાહતો મળતા શેરબજારની તેજીને ઉંચે જવામાં ઇંધણ મળી ગયું હતુ.
રૂપિયાના મૂલ્યમાં પણ તીવ્ર તેજી જોવા મળી હતી. ગઇકાલે 71.34ની સપાટીએ બંધ થયેલો રૂપિયો શુક્રવારે ડોલર સામે 70.94 થયો હતો. આઇટી કંપનીઓનું માર્જિન એ કારણે ઘટી જશે એવા સંકેતો મળવાથી ટેકનોલોજી અને આઇટી કંપનીઓના શેર તૂટયાં હતા.
સરકારના નવા પગલાઓને લીધે હવે દેશના આર્થિક વિકાસની સ્થિતિમાં સુધારો થાય એવી સંભાવના વધી ગઇ છે. સરકારના નિર્ણયોની અસર આવનારા અઠવાડિયાઓમાં હકારાત્મક દેખાશે એવો આશાવાદ જાગ્યો છે.
Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer