કૉર્પોરેટ ટૅક્સમાં 10 ટકા ઘટાડો, સુપર રિચ ટૅક્સની સમાપ્તિ

કૉર્પોરેટ ટૅક્સમાં 10 ટકા ઘટાડો, સુપર રિચ ટૅક્સની સમાપ્તિ
અર્થતંત્રમાં ગતિ આપવા નાણાપ્રધાન સીતારામનની સિક્સર
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 20 : ધીમી પડી રહેલી અર્થવ્યવસ્થાને ગતિ આપવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે આજે કંપનીઓ માટેના આવકવેરાના દરમાં 10 ટકા સુધીનો ઘટાડો કરીને 25.17 ટકા કરવા તથા નવી ઉત્પાદન કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સના દર ઘટાડીને 17.01 ટકા સુધી કરવાની મહત્ત્વની ઘોષણા કરી હતી. સરકારે `સુપર રિચ' ટેક્સથી પીછેહઠ કરી હતી, તો કેપિટલ ગેઇન પર સરચાર્જમાંથી રાહત આપી હતી.
નાણાપ્રધાન સીતારામને આજે કરેલી આ ઘોષણાથી શેરબજારમાં ઐતિહાસિક તેજી આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીતારામનનાં પગલાંને ઐતિહાસિક લેખાવીને જણાવ્યું હતું કે તેનાથી મેઈક ઈન ઈન્ડિયાને તાકાત મળશે અને અર્થવ્યવસ્થાને ગતિ મળશે. બીજીતરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોર્પોરેટ ટેક્સ ઘટાડાને લઈને કટાક્ષ કરી તેને અમેરિકામાં થનારા `હાઉડી મોદી' કાર્યક્રમથી જોડયો હતો.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને આ ઘોષણાઓ કરતાં કહ્યું હતું કે, આ પરિવર્તનોને આવકવેરા અધિનિયમ માટે એક વટહુકમ દ્વારા અમલમાં લાવવામાં આવશે.
તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, આ નવી જોગવાઈઓ નાણાકીય વર્ષ 2019-20થી અમલી બનશે. કોઈ પણ ઘરેલુ કંપનીને 22 ટકાના દરથી આવકવેરો ભરવાનો વિકલ્પ મળશે. જો કે, આ માટે શરત એ હશે કે તે અન્ય કોઈ પ્રોત્સાહનનો લાભ લઈ શકશે નહીં.
અધિશેષો અને ઉપકર મેળવીને તેનો પ્રભાવી દર 25.17 ટકા રહેશે. ઉલ્લેખનીય છે કે ત્રીસ ટકાના કંપની કરના દરે વર્તમાન કોર્પોરેટ ટેક્સ 34.94 ટકા છે.
તેમણે કહ્યું, ઉત્પાદન ક્ષેત્રમાં નવા રોકાણને આકર્ષિત કરવા તથા મેઈક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે આવકવેરા અધિનિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. છૂટ અને પ્રોત્સાહનનો લાભ જારી રાખવાનો વિકલ્પ પસંદ કરનારી કંપનીઓને રાહત આપવા માટે લઘુતમ વૈકલ્પિક કરનો દર 18.5 ટકામાંથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો હતો. આ સાથે જ સીતારામને બજેટમાં જારી ધનાઢ્યો પરના કરને પણ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.
પી.એમ. મોદીએ આજની ઘોષણાઓને બિરદાવતાં ટ્વિટમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સપ્તાહોમાં થયેલી ઘોષણાઓ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે અમારી સરકાર ભારતને વ્યાપાર કરવા, સમાજના તમામ વર્ગને સારી તકો આપવા અને દેશને પાંચ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવામાં કોઈ કસર છોડી રહી નથી.
દરમ્યાન, કેન્દ્ર સરકારની આજની જાહેરાતોને પી.એમ. મોદીની અમેરિકામાં થનારી `હાઉડી મોદી' ઈવેન્ટથી જોડતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો હતો કે કોઈ પણ ઈવેન્ટ કે નિર્ણય ખરાબ આર્થિક હાલતને છુપાવી શકશે નહીં.
સીતારામનનો માસ્ટર સ્ટ્રોક
1. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાનાં નિર્ણયને પગલે ઘરેલુ કંપનીઓને 22 ટકાનાં દરે ટેક્સ ચૂકવવાનો થશે. જે તમામ સરચાર્જ અને સેસ મળીને 25.17 ટકા જેટલો થશે. જો કે તેમાં શરત એ રહેશે કે કંપનીને કોઈ છૂટ કે રાહતનો ફાયદો નહીં મળે. 
2. મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં નવા રોકાણને પ્રોત્સાહિત કરવા માટેના એલાનમાં 1 ઓક્ટોબર 2019 બાદ કોઈપણ નવી મેન્યુફેક્ચરીંગ કંપનીની રચના કરનારને 15 ટકાનાં દરે ટેક્સ લાગશે. જે સેસ અને સરચાર્જ મળીને 17.01 ટકા થશે. પરંતુ આ કંપનીઓનું ઉત્પાદન 31 માર્ચ 2023 પહેલા થવું જરૂરી છે. આ કંપનીઓને મેટમાં પણ રાહત મળશે.
3. રાહતો અને છૂટનો લાભ લેતી કંપનીઓને મિનિમમ અલ્ટરનેટ ટેક્સ (મેટ)માં રાહત આપવામાં આવી છે. તેમને 18.5 ટકાનાં બદલે 15 ટકા મેટ ચૂકવવો પડશે. આ ઉપરાંત 22 ટકા આવકવેરો ચૂકવતી કંપનીને પણ મેટમાં રાહત મળશે.
4. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટનાં લાંબાગાળાનાં મૂડીગત લાભ ઉપર લાગતાં કેપિટલ ગેઈન ટેક્સ ઉપરનો સરચાર્જ હટાવી લેવામાં આવ્યો.
5. 5 જુલાઈ 2019 પહેલા શેર બાયબેકનું એલાન કરનારી નોંધાયેલી કંપનીઓને બાયબેક ટેક્સમાંથી રાહતનું એલાન કરવામાં આવ્યું.
6. કંપનીઓનાં 2 ટકા સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબિલિટી) ખર્ચમાં હવે સરકાર, પીએસયુ ઈન્ક્યુબેટર્સ અને સરકારી ખર્ચથી ચાલતી સંસ્થાઓ પણ સામેલ થશે. 
Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer