ચાર કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનાર હજ ટૂર ઓપરેટરની અટક

મુંબઈ, તા. 21 : પાંત્રીસ કરતા વધુ હજયાત્રીઓ સાથે ચાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર હજ ઉમરાહ ટૂર અૉપરેટરની ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશને ધરપકડ કરી હતી. આ પ્રકારના નાગપાડા અને સુરત ખાતે નોંધાયેલી ફરિયાદમાં પણ નૂર મોહમ્મદ દાવા (56)નું નામ બહાર આવ્યું છે.
પોલીસે નૂર મોહમ્મદ વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જારી કર્યા બાદ દુબઈથી કોલકાતા આવેલા આરોપીને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે અટકમાં લીધો હતો.
પોલીસ હજુ છેતરપિંડીનો ભોગ બનેલાઓના નિવેદન લઈ રહી છે. એ સામે પોલીસનું માનવું છે કે આરોપીએ સૌથી વધુ લોકોને છેતરી 10 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હશે. જોકે, મળતા અહેવાલ મુજબ 500થી વધુ લોકોના પૈસા ડૂબ્યા છે, પણ બધાએ પોલીસનો સંપર્ક કર્યો નથી. મુંબઈ મહાપાલિકાના નિવૃત્ત કર્મચારી તારીક અન્સારી (60)એ યાત્રાએ જવા 4.5 લાખ રૂપિયા જમા કર્યા હતા. દાવાની અૉફિસે જ્યારે તેઓ ગયા તો સંતોષજનક જવાબ મળ્યો નહોતો અને 8 જુલાઈથી અૉફિસ બંધ છે.
દાવાએ દેશભરના યાત્રીઓને વિઝા અને પાસપોર્ટ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ એની અૉફિસને તાળા લાગેલા જોઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સૂત્રના જણાવ્યા મુજબ દાવા હજ યાત્રા માટે ઓછા ભાવ જણાવી યાત્રીઓને આકર્ષતો હતો. સામાન્યપણે હજ યાત્રા માટે ટૂર અૉપરેટર સરેરાશ ત્રણ લાખ રૂપિયા લેતા હોય છે.
તપાસ અધિકારી પાંડુરંગ સનસે જણાવ્યું હતું કે દાવાના બૅન્ક એકાઉન્ટ સ્થગિત કર્યા છે. ઉપરાંત એની અૉફિસેથી બધાના પાસપોર્ટ પાછા મેળવ્યા છે. દાવાના જણાવ્યા મુજબ એ હજયાત્રીઓ પાસે બે લાખ રૂપિયા લેતો હતો. જોકે, એને મોટી ખોટ જતા દુબઈ ભાગી ગયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
 

Published on: Sat, 21 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer