ઇજાને લીધે દીપક પુનિયા વિશ્વકુસ્તી ચૅમ્પિયનશિપમાંથી દૂર સિલ્વરથી સંતોષ

ઇજાને લીધે દીપક પુનિયા વિશ્વકુસ્તી ચૅમ્પિયનશિપમાંથી દૂર સિલ્વરથી સંતોષ
નવી દિલ્હી, તા. 22 : યુવા ભારતીય કુસ્તીબાજ દીપક પુનિયાની વર્લ્ડ રેસાલિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીતવાની આશાઓને જોરદાર ઝટકો લાગ્યો છે. તે 86 કિલો વજનની શ્રેણીની ફાઇનલમાં પહોંચ્યો હતો અને આજે તેને ખિતાબી મેચમાં ઇરાનના ઓલિમ્પિક ચેમ્પિયન હસન યઝદાની સામે રમવાનું હતું, પરંતુ તેણે આ મેચમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. તેમને ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં ડાબા પગમાં ઈજા થઇ હતી. તેનામાં આજે સોજો વધ્યો છે અને તે વજન નથી સંભાળી રહ્યા. આ રીતે 20 વર્ષીય ભારતીય ખેલાડીને તેની પ્રથમ સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો છે.
એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીત દ્વારા તેમણે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, `ટૂર્નામેન્ટની પહેલી મેચમાં મને ઈજા થઈ. મને હજી પણ ડાબા પગમાં સોજો છે. હું દેશ માટે ગોલ્ડ મેડલ જીતવા માગતો હતો, પરંતુ કમનસીબે તે થઈ શક્યું નહીં. મને લાગ્યું કે, ખિતાબી જીત પહેલાં હું ઠીક થઈશ, પરંતુ તે બન્યું નહીં.' નોંધનીય છે કે, રેસલર દીપક ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચનારો ભારતનો સૌથી યુવા રેસલર છે. 
20 વર્ષીય પહેલવાને કહ્યું કે, `ઈજા એ ખેલાડીના જીવનનો એક ભાગ છે. ઓલિમ્પિક ક્વોટા મેળવવો મારા માટે ગર્વની વાત છે. હું આ માટે ઉત્સાહિત પણ છું અને વચન આપું છું કે હું દેશને નિરાશ નહીં કરું.'
2016માં વર્લ્ડ કેડેટનો ખિતાબ જીતનાર રેસલર દીપક પુનિયા થોડા દિવસો પહેલાં જ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનમાં ગોલ્ડ જીતી ચૂક્યો છે. આજે તેમની પાસે આ વર્ષનો ગોલ્ડ ચંદ્રક બેવડો કરવાની મોટી તક મળી હતી.
Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer