દક્ષિણ આફ્રિકાની 9 વિકેટે આસાન જીત

દક્ષિણ આફ્રિકાની 9 વિકેટે આસાન જીત
ડીકોકની 79 રનની કૅપ્ટન ઈનિંગ : ભારતના 134 રનના લક્ષ્યાંકને 17 ઓવરમાં પાર પાડયું : શ્રેણી સરભર
બેંગલુરૂ, તા. 22 : બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલા સિરિઝના ત્રીજા ટી20 મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારત ઉપર સરળ જીત મેળવી હતી. ભારતીય બેટ્સમેનોના નબળા પ્રદર્શન બાદ દક્ષિણ આફ્રિકન ટીમના કેપ્ટન ક્વીંટન ડી કોકના શાનદાર 79 રનની મદદથી દક્ષિણ આફ્રિકાની 9 વિકેટે જીત થઈ હતી. ડી કોકે ઈનિંગમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. દક્ષિણ આફ્રિકાએ નિયત લક્ષ્યાંક સરળતાથી 16.5 ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને પાર પાડયું હતું.   આ સાથે પહેલી ટી20 વરસાદમાં ધોવાય ગયા બાદ શ્રેણી 1-1થી બરાબર રહી હતી. 
134 રનના લક્ષ્યાંકને પાર પાડવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમના ઓપનરોએ જીતનો પાયો નાખ્યો હતો અને પહેલી વિકેટ માટે 76 રનની મજબુત ભાગીદારી થઈ હતી. દક્ષિણ આફ્રિકાની પહેલી વિકેટ રીઝા હેન્ડરીક્સ રૂપે પડી હતી. હેનરીક્સ 28 રન કરીને આઉટ થયો હતો. બીજી તરફ ડી કોકે અર્ધસદી પુરી કરી હતી. ડી કોકે કેપ્ટન ઈનિંગ રમતા 52 બોલમાં 79 રન કર્યા હતા. જેમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. ભારતીય બોલરોમાં હાર્દિક પંડયાને એકમાત્ર સફળતા મળી હતી. 
આ અગાઉ ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ નિર્ણય ખોટો સાબિત થયો હોય તેમ ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન નબળું રહ્યું હતું. ઓપનિંગમાં આવેલા રોહિત શર્મા તરીકે ભારતની પહેલી વિકેટ પડી હતી. ત્રીજી ઓવરમાં રોહિત 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ધવને બાજી સંભાળી હતી અને કોહલી સાથે રમીને સ્કોર આગળ વધાર્યો હતો. જો કે ધવન 25 બોલમાં 36 રન કરીને આઉટ થયો હતો. કુલ સ્કોરમાં પાંચ રન વધ્યા હતા ત્યારે કોહલી પણ માત્ર 9 રન બનાવીને વિકેટ ગુમાવી ચુક્યો હતો. જ્યારે પંતે વિકેટ ટકાવી રાખવાનો પ્રયાસ કરતા 19 રન કર્યા હતા. પંતની વિકેટ પડયા બાદ હાર્દિક પંડયા(14) અને રવિન્દ્ર જાડેજા (19) જ બે અંકના સ્કોર સુધી પહોંચી શક્યા હતા. અંતે નિયત 20 ઓવરમાં ભારત 9 વિકેટે 134 રન બનાવી શક્યું હતું. ભારતને મોટો સ્કોર કરતા અટકાવતા રબાડાએ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે ફોર્ટન અને હેન્ડ્રીક્સને 2-2 વિકેટ મળી હતી.
Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer