મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પાછળ 913 કરોડનો ખર્ચ થશે

મુંબઈ, તા. 22 : આવતા મહિને યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પાછળ રાજ્યની તિજોરીને રૂપિયા 913 કરોડનો ખર્ચ એવા સમયે થશે, જ્યારે રાજ્ય રૂપિયા 4.71 લાખ કરોડનાં દેવાં હેઠળ ડૂબેલું છે.
જોકે રાજ્ય સરકારે આ ખર્ચ માટે તેના વાર્ષિક બજેટમાં જોગવાઈ કરી રાખી છે, પરંતુ આ ખર્ચ 2014ની જેમ વધી શકે છે ત્યારે 421 કરોડની જોગવાઈ રાખવામાં આવી હતી અને ખર્ચ રૂપિયા 793 કરોડનો થયો હતો.
રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં લોકસભાની ચૂંટણી માટેના રૂપિયા 841 કરોડ સહિત રૂપિયા 1754 કરોડની જોગવાઈ કરી હતી. જોકે, લોકસભામાં ચૂંટણી ખર્ચ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારને ભરપાઈ કરી દેવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી બલદેવ સિંઘે જણાવ્યું હતું કે પ્રત્યેક મતદાર વિસ્તારનો ખર્ચ અલગ હોય છે અને તે તેના દરજ્જા પર આધાર રાખે છે. અમે સંવેદનશીલ મતદાન મથકો માટે અતિરિક્ત સુરક્ષા દળોની માગણી કરી છે અને અમને તે મળી રહ્યાં છે.
ચૂંટણી માટેની જે બજેટરી ફાળવણી છે તે પરિવહન, માનવશક્તિ, વેરહાઉસિંગ ખર્ચ વગેરે પાછળ ખર્ચાશે. ઈલેકટ્રોનિક વોટિંગ મશીન અને વૉટર વેરિફિકેશન પેપર ઓડિટ ટ્રેઈલ્સના કાગળ અને બેટરીઓ પાછળ જંગી નાણાં ખર્ચાશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. પ્રત્યેક મશીનની બેટરી અને પેપર રોલ પાછળ રૂપિયા 1500નો ખર્ચ થશે. આ ચૂંટણીમાં 1.80 લાખ ઈવીએમ મશીનો અને 1.35 લાખ વીવીપીએટી મશીનોનો ઉપયોગ કરવામાં આવશે.
રાજ્યમાં 96,654 મતદાન મથકો છે જ્યાં 8,94,46,211 મતદારો નોંધાયેલા છે. છેલ્લાં પાંચ વર્ષમાં મતદારોની સંખ્યામાં 59.18 લાખનો વધારો થયો છે અને 1000 પુરુષોની સરખામણીમાં 2014માં મહિલાઓનું જે પ્રમાણ 893 હતું તે હાલ વધીને 914 થયું છે. તૃત્તીયપંથી મતદારોની સંખ્યા પણ વધી છે. 2014માં આ સંખ્યા 972ની હતી તે વધીને 1593 પર પહોંચી છે.
રાજ્યમાં 2747 જોખમી મતદાન મથકો છે, જેમાં સૌથી વધુ મુંબઈ, થાણે, પુણે, ઔરંગાબાદ અને અમરાવતીમાં છે.
Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer