ભારતીય પાસપોર્ટધારક બિનરહીશને હવે મળી શકશે તત્કાળ આધાર કાર્ડ

નવી દિલ્હી, તા. 22 : ભારતીય પાસપોર્ટ ધારક બિનરહીશ ભારતીયને પોતાનું આધાર કાર્ડ બનાવડાવવા હવે 180 દિવસ સુધી રાહ જોવી નહીં પડે. હવેથી તેઓ તરત પોતાનું આધાર કાર્ડ મેળવી લઈ શકશે. શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે જવા રવાના થયા પહેલાં કેન્દ્ર સરકારે આ મતલબની ઘોષણા કરી હતી. કેન્દ્ર સરકારે બિનરહીશ ભારતીયોને તત્કાળ આધાર કાર્ડ ઉપલબ્ધ કરી આપવા સંબંધે અધિસૂચના પણ જારી કરી છે. કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલયે જારી કરેલી આ અધિસૂચનામાં જણાવાયું છે કે બિનરહીશ ભારતીય, ભારત આવ્યે ત્યારે આધાર કાર્ડ પ્રાપ્ત કરી શકશે. અલબત્ત અધિકૃત ભારતીય પાસપોર્ટ ધરાવનાર બિનરહીશ ભારતીયોને જ આ નિયમ લાગુ થઈ શકશે. આ નિયમ અધિસૂચના જારી થવાની તારીખ એટલે કે 20 સપ્ટેમ્બરને તત્કાળ અસરથી લાગુ થશે એમ ઉકત અધિસૂચનામાં જણાવાયું છે.
Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer