શ્રીનગરથી મને હદપાર કરતી વખતે દુર્વ્યવહાર કરાયો

યશવંત સિંહાએ ઠાલવ્યો આક્રોશ
નવી દિલ્હી, તા. 22 : જમ્મુ કાશ્મીરના વહીવટીતંત્રે જબરદસ્તીથી શ્રીનગરથી પાછા મોકલી આપેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી યશવંત સિંહાએ જણાવ્યું હતું કે હું ત્યાં જૂજ મિત્રોને મળવા ગયો હતો, પરંતુ અપહરણકાર અને આતંકી હોઉં તે રીતે મને હદપાર કરી દેવામાં આવ્યો. એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં સિંહાએ જણાવ્યું હતું કે ખીણમાં શાંતિ લાવવા પ્રયત્નો કરતું અને વર્ષોથી કાર્યરત જૂથ કન્સર્ન્ડ સિટિઝન્સ ગ્રુપ સાથે હું સંકળાયેલો છું.
સિંહાએ જણાવ્યું હતું કે જેવા અમે ત્યાં પહોંચ્યા કે પોતાને બડગામના નાયબ કમિશ્નર તરીકે ઓળખાવનાર એક વ્યકિત મારી પાસે ધસી આવી. તેની સાથે અન્ય પોલીસ અધિકારીઓ ય હતા. પોતે મારો પ્રશંસક હોવાનું તેણે કહેતાં કશુંક રંધાઈ રહ્યાનું હું પામી ગયો. તે પછી તેણે કહ્યું કે અન્યો કાશ્મીર જઈ શકે છે, પણ તમને જવા દેવામાં નહીં આવે. બે કલાક પછી બડગામમાં મારો પ્રવેશ નિયંત્રિત કરતી 144મી કલમ તળેનો લેખિત ઓર્ડર એસપીએ મોકલ્યો હતો, જેમાં જણાવાયું હતું કે મારી મુલાકાતથી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વણસી શકે છે. મેં વિરોધ કરતા એસપીએ અન્ય આદેશ આપ્યો જેમાં પરત ચાલ્યા જવા જણાવાયું હતું.
Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer