ભાજપ-શિવસેના યુતિની ઔપચારિક જાહેરાત હજીય બાકી

કેતન જાની તરફથી
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટેની તારીખો અને આચારસંહિતા લાગુ પડી છે. આમ છતાં ભાજપ અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીને અંતિમરૂપ આપી શકાયું નથી.
ભાજપના મુખ્ય પ્રવક્તા માધવ ભંડારીએ `જન્મભૂમિ'ને જણાવ્યું હતું કે ભાજપ અને શિવસેના વચ્ચે યુતિ થશે એ નિશ્ચિત છે. આ બાબતે લોકસભાની ચૂંટણી પૂર્વે ગત ફેબ્રુઆરીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ, મુખ્ય પ્રધાન ફડણવીસ અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે વચ્ચે સમજૂતી થયેલી છે એમ ભંડારીએ ઉમેર્યું હતું.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આજની મુંબઈની મુલાકાત સમયે તેઓ ઉદ્ધવ ઠાકરેને મળે એવી સંભાવના હતી. આમ છતાં તેઓ વચ્ચે બેઠક થઈ નહોતી. અમિત શાહે ગોરેગામમાં બૉમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે જમ્મુ-કાશ્મીર વિશે ભાષણ આપતા શિવસેનાનો સીધો ઉલ્લેખ ટાળ્યો હતો. આમ છતાં અમને ત્રણ ચતુર્થાંશ બેઠકો મળે એમ કહ્યું હતું. તેમાં શિવસેનાનો સાથ છે એવું અભિપ્રેત હતું એમ માની શકાય.
વિધાનસભાની બેઠકો બંને પક્ષો સરખેભાગે વહેંચી લેશે એવી સમજૂતી થઈ છે. તે અંગે ભાજપના નેતાઓ તરફથી અલગ અલગ નિવેદન કરવામાં આવી રહ્યાં છે. આમ છતાં બંને પક્ષો તરફથી ઔપચારિક રીતે કેટલી બેઠકો લડશે તે અંગે હજી સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી.
કેન્દ્રીય ચૂંટણી પંચે શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો પછી પત્રકારોને સમજૂતીની માહિતી શિવસેના દ્વારા આપવામાં આવશે એવી અટકળો આખો દિવસ ચાલુ રહી હતી. જોકે, તે વિશે ઔપચારિક રીતે કશું કહેવામાં આવ્યું નહોતું.
Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer