ગુજરાતની વધુ બે બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત

21 અૉક્ટોબરે કુલ 6 બેઠકો પર મતદાન   

અમરાઇવાડી, ખરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠક બાદ વધુ બે બેઠક રાધનપુર અને બાયડની પેટાચૂંટણીની પણ જાહેરાત

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 22 : લોકસભા ચૂંટણી બાદ ખાલી પડેલી ગુજરાતની 7 બેઠકોમાંથી 4 બેઠક પર પેટાચૂંટણી યોજવાની કેન્દ્રીય ચૂંટણી પંચે શનિવારે જાહેરાત કરી હતી ત્યારે આજરોજ  રવિવારે વધુ બે બેઠકો પર પેટાચૂંટણીની  જાહેરાત કરવામાં આવી છે. આ બેઠકો પર પણ ચાર બેઠકોની સાથે જ આગામી 21મી અૉક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી અૉક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે. મહત્ત્વનું છે કે, મહારાષ્ટ્ર અને હરિણાની સાથે ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા અમરાઇવાડી, ખરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠક બાદ વધુ બે બેઠક રાધનપુર અને બાયડની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે.
આમ ગુજરાતની કુલ 7 બેઠકોમાંથી 6 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે જ્યારે બાકી રહેલી મોરવાહડફ બેઠક માટે હજુ કોઈ જાહેરાત કરવામાં નથી આવી આથી ત્યાં હાલ ચૂંટણી યોજાશે નહીં. 
દરમિયાન પેટાચૂંટણી માટે ઉમેદવાર પસંદગી અને વ્યૂહરચનાના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવા 24 સપ્ટેમ્બર, 2019ના રોજ સાંજે 6-30 કલાકે ભાજપા દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિ બેઠક મુખ્ય પ્રધાન રૂપાણીના નિવાસસ્થાને યોજવામાં આવનાર છે. જેમાં પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉપરાંત છ વિધાનસભા બેઠકો જે જિલ્લામાં આવતી હોય તેની જિલ્લા સંકલન સમિતિ, પ્રદેશ દ્વારા નિયુક્ત કરાયેલા વિધાનસભા ઇન્ચાર્જ/સહ ઇન્ચાર્જો તેમ જ મંડવ/ પ્રમુખ/ મહામંત્રી/ પ્રભારીઓ પણ હાજર રહેશે. 
રાધનપુર અને બાયડ બેઠકર પર સંભવિત ઉમેદવારોના નામ પણ સામે આવી રહ્યાં છે. જેમાં રાધનપુર બેઠક પર ભાજપામાંથી અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી અને લવિંગજી ઠાકોરનું નામ સામે આવી રહ્યું છે જ્યારે તેની સામે કૉંગ્રેસમાંથી ડૉ. ગોવિંદ ઠાકોર અને રધુ દેસાઇનું નામ સામે આવી રહ્યું છે.
આ બધા વચ્ચે પેટાચૂંટણીની જાહેરાત થાય તે પહેલા સાંતલપુરના ઠાકોર સમાજના અગ્રણીઓ એકઠા થયા હતા અને ઠાકોર સમાજના મગનજી ઠાકોરને અપક્ષ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. મગનજી ઠાકોર અપક્ષ તરફથી ઉમેદવારી નોંધાવે તો ભાજપ-કૉંગ્રેસ બન્નેની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કેમ કે રાધનપુર બેઠક પર ઠાકોર સમાજની નિર્ણાયક ભૂમિકા છે અને મગનજી ઠાકોર પણ સમાજમાં સારું વર્ચસ્વ ધરાવે છે. 
બીજી તરફ બાયડ બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર ભાજપમાંથી ધવલસિંહ ઝાલા અને મહેન્દ્ર પટેલનું નામ સામે આવી રહ્યું છે જ્યારે કૉંગ્રેસમાંથી જશુ પટેલ, માનવેન્દ્રસિંહ સોલંકી અને અશોકસિંહ પરમારનું નામ સામે આવી રહ્યું છે. જોકે, આ તો સંભવિત ઉમેદવારો છે, પરંતુ આમાંથી કોના નામ પર ભાજપ-કૉંગ્રેસ ફાઇનલ મહોર લગાવે છે તે તો સત્તાવાર જાહેર બાદ જ જાણી શકાશે.
Published on: Mon, 23 Sep 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer